ટંકારા : ટંકારા તાલુકા કક્ષાના પ્રાથમિક વિભાગના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 'આઝાદીકા અમૃત મહોત્સવ' કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કલાઉત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં શાળા કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધી ચિત્ર, કાવ્યગાન, વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાઓ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે તા. 18/10/2021 ના રોજ ટંકારા તાલુકાનો ઉચ્ચ પ્રાથમિક વિભાગનો કલા ઉત્સવ યોજાઈ ગયો હતો. જેમાં ટંકારા તાલુકાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોએ શાળા કક્ષાએ ભાગ લીધા બાદ તેમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોએ સી.આર.સી. કક્ષાએ ભાગ લીધો હતો. સી.આર.સી. કક્ષાએ તમામ ચારેય સ્પર્ધામાં પ્રથમ-પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓએ બી.આર.સી. કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો. તમામ બાળકોએ ખૂબ મહેનતથી તૈયારી કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં હરિપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ખરાળી મનીષ, કાવ્યગાન સ્પર્ધામાં ઓટાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પરમાર દામિની, નિબંધ સ્પર્ધામાં નેસડા (ખા.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બારૈયા વિશ્વા તેમજ વકતૃત્વ સ્પર્ધામાં વાછકપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સાકરીયા અર્જુને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ તમામ પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ ટંકારા તાલુકાનું નેતૃત્વ કરશે. આ તકે પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને 500 રૂ., દ્વિતીય નંબર મેળવનારને 300 રૂ. તેમજ તૃતીય નંબર મેળવનારને 200 રૂ. નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢીએ હાજરી આપી હતી. તાલુકા કક્ષાના કલાઉત્સવના સફળતાપૂર્વક આયોજન માટે બી.આર.સી. કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી. કો-ઓર્ડિ. તેમજ બી.આર.સી. ભવનના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..