ટંકારા : નવસર્જન ટ્રસ્ટ ગુજરાત લોકસમિતિ જગહિત ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક ન્યાય અને હકરક્ષક સમિતિ મોરબી જિલ્લાના બળદેવભાઈ મકવાણાએ ટંકારાના તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનોની સમસ્યા હલ કરી સુવિધા સત્તા આપી હક વંચિત લોકોને ન્યાય અપાવવા જણાવ્યું છે. તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક ન્યાય સમિતિને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે તેમ છતાં ચેરમેનોની સતત અવગણના કરવામાં આવી રહી છે. સામાજિક ન્યાય સમિતિની રચના માત્ર ને માત્ર કાગળ પર થઈ છે. ચેરમેનોને ખુશરી ફાળવવામાં નથી આવતી, લેટરપેડ,સ્ટેશનરી કે સિક્કો પણ નથી અપાતો, દર ત્રણ મહિને મિટીંગ પણ નથી બોલાવવામાં આવતી, કોઈ ઠરાવ કરવામાં કે કરાવવામાં નથી આવતો, ઠરાવ બુકમાં નોંધ નથી પાડવામાં આવતી, ઘણી મિટીંગોમાં પણ નથી બોલાવવામાં આવતા, નાણાકીય વહીવટમાં ત્રીજા નંબરનું સ્થાન નથી, પાવર નથી કે ગણના કરવામાં આવતી નથી. પંચાયતમાં આવેલી ગ્રાન્ટ કે મંજૂર થયેલ કામોની જાણકારી પણ ચેરમેનોને નથી આપવામાં આવતી. સરકારી યોજના, ઠરાવો કે બજેટની પણ માહિતી નથી અપાતી. ત્યારે દર ત્રણ મહિને ફરજિયાત ચેરમેનના અધ્યક્ષ સ્થાને મિટીંગ બોલાવવામાં આવે, એસસી/એસટી અને ગરીબ વિસ્તારોમાં વસ્તીના ધોરણે બજેટ ફાળવવામાં આવે અને તે બજેટ તેમની સીધી દેખરેખ હેઠળ વાપરવામાં આવે. એસસી/એસટીના વ્યક્તિગત અને વિસ્તારમાં અગ્રીમતાના ધોરણે સમસ્યા ઉકેલવામાં આવે, લેટરપેડ, સિક્કા, ઠરાવબુકો, સ્ટેશનરી, નામવાળી પ્લેટ બાકી હોય ત્યાં આપવામાં આવે, ચેરમેનને બેસવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવે અને તમામ જાણકારી આપવામાં આવે અને ભેદભાવ જે ગામોમાં હોય તેને દુર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ સરકારી યોજનામાં સરપંચ સિક્કો ન મારી આપે તો એવા કિસ્સામાં ચેરમેનના લેટરપેડમાં સિક્કો મારવાની સત્તા આપવામાં આવે. આ ઉપરાંત ચેરમેનોને વિવિધ સત્તાઓ અને સુવિધાઓ આપવા માંગણી કરવામાં આવી છે.