અગાઉ થયેલા વિવાદમાં જે દસેક જેટલા શિક્ષકો હતા તેમને જ ટેબલ વર્ક સોંપવામાં આવ્યું હોવાનો આક્ષેપ ટંકારા : ટંકારામાં અમુક શિક્ષકોને લાગવગના જોરે ચૂંટણીની સહેલી કામગીરી સોંપી દેવાનો શિક્ષક આલમે આક્ષેપ કર્યો છે. જેને લઈને તેઓ મામલતદાર કચેરીએ રૂબરૂ રજુઆત કરવા પણ દોડી ગયા હતા. અને તેઓએ કચેરીએ રોષ પણ ઠાલવ્યો હતો. ટંકારા તાલુકામાં શિક્ષણ વિભાગ હમણા ધણા સમયથી ચર્ચામાં છે. અગાઉનો વિવાદ હજુ માંડ સમ્યો છે ત્યાં ફરી વિવાદ સર્જાયો છે. ચૂંટણી વખતે કામગીરીથી બચવા માટે મામકાવાદ અપનાવી પોતાના નામ ઓનલાઈન એન્ટ્રીમાંથી ડીલીટ કરાવી નાખવાનુ કૃત્ય ગત વિધાનસભાની પેટાચૂંટણી વખતે થયું હતું. જેની ઈલેક્શન કમિશનમાં ફરીયાદ થતા તપાસ થયેલ હતી જેમાં નક્કી કરેલ કેટલાક શિક્ષકોના નામની એન્ટ્રી ડીલીટ થયેલ હોવાનું માલુમ પડેલ હતું અને આખી ધટના ઉજાગર થઈ હતી. ત્યારે આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોતાને ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી કરવી ન પડે એટલે 10 જેટલા શિક્ષકોએ ચૂંટણીની ઓફીસ કામગીરીના હુકમ કરાવી લીધા છે વળી જે શિક્ષકોના ઓફીસ કામગીરીના થયેલ છે એ પૈકી કેટલાક શિક્ષકોના નામ સી.સી.સી.કૌભાંડમાં સામેલ છે એવો શિક્ષક આલમે આક્ષેપ કર્યો છે. આ અંગેની લેખિત રજૂઆત કરવા મોટી સંખ્યામાં શિક્ષકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદન આપ્યું હતું. આ અંગે મામલતદાર એન પી. શુક્લ ને પુછતા તેઓ રજા પર હોય આગામી દિવસોમાં આ મુદ્દે ભારે વિવાદ થાય તો નવાઈ નહીં.