ગઈકાલે એપેન્ડિક્ષનું ઓપરેશન કરાવી આજે મજબૂત મનોબળ સાથે પરીક્ષા કેન્દ્ર સુધી પહોચી સંસ્કૃતનું પેપર લખ્યુંમોરબી : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની છાત્રા જ્હાનવીબા ઝાલાએ સાર્થક કરી બતાવી છે. તેઓએ એપેન્ડિક્ષના ઓપરેશનના કલાકો બાદ જ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી બેડ ઉપર સુઇને ધો.12ની પરીક્ષા આપી છે.ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની જ્હાનવીબા કિશોરસિંહ ઝાલા કે જેઓ ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરે છે. અને હાલ એચ.એસ.સી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે સંસ્કૃતનું પેપર હતું. એ પહેલા ગઈકાલે રાત્રે પેટનો અસહ્ય દુખાવો થતાં ઈમરજન્સી એપેન્ડિક્ષનું ઓપરેશન આવ્યું અને પરીવાર પણ બેવડી ચિંતામા સપડાઈ ગયો હતો.ત્યારે રાજકોટ સાર્થક હોસ્પિટલમાં ડો.વિવેક જીવાણી, ડો.અમિત પટેલ, અને ડો. પુનિત ઠોરીયા, અમિત રૂપાલાએ આ અંગે પરીક્ષા કેન્દ્રના શિક્ષણ વિભાગને વાત કરી પરમીશન લેવા જણાવ્યું હતું અને શિક્ષકો અને તંત્ર દ્વારા તાત્કાલિક નિયમોનુસાર કાગળ કરી વિદ્યાર્થીઓને તાકીદે દવાખાનાથી એમ્બ્યુલન્સ મારફત પરીક્ષા સ્થળ સુધી પહોચાડવામાં આવી હતી. પરીક્ષા સ્થળે તેમના માટે અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે. વિદ્યાર્થિની અને તેમના માતાપિતાના મનોબળ થકી આ શક્ય બન્યું છે. આ સાથે શિક્ષકો તથા ડોક્ટરોની ટિમ પણ ખડેપગે રહી હતી. તેની કામગીરીની પણ સરાહના થઈ રહી છે.