ટંકારા : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, મોરબી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન તા. 24 ઓગસ્ટ 2025ના રોજ નવયુગ શૈક્ષણિક સંકુલ, વિરપર (ટંકારા) ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વયજૂથના કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનારા તથા જિલ્લા કક્ષાએ શરૂ થતી સ્પર્ધાઓમાં નોંધાયેલા સ્પર્ધકોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી.આ વર્ષના કલા મહાકુંભમાં રાસ સ્પર્ધા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. 21 થી 59 વર્ષના વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ટંકારા તાલુકાના જબલપુર ગામની રાસ મંડળીએ લોક નૃત્યમાં અવ્વલ ક્રમ મેળવીને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ મંડળી નૂત્યમાં કાજલબેન, નવ્યાબેન, દિશાબેન, જીજ્ઞાબેન, હેતલબેન, રસિલાબેન, ચેતનાબેન, તૃષાબેન, દક્ષાબેન, પલ્લવીબેન, પૂનમબેન, સરોજબેન, અમિષાબેન, સરલાબેન જોડાયા હતા. જયારે સાંજીંદા તરીકે દુર્લભજીભાઈ કાસુન્દ્રા, દામજીભાઈ કાનાણી, રમેશભાઈ લો, અશ્વિનભાઈ બાવાજી રહ્યા હતા. પરંપરાગત ગુજરાતી વેશભૂષા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા.જબલપુર રાસ મંડળીની આ જીતથી ગામ અને તાલુકામાં ઉત્સાહનું વાતાવરણ છે. આવા કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારના કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે છે અને તેઓને વધુ સ્તરે પહોંચવા માટે પ્રેરણા મળે છે. જિલ્લા કક્ષાના વિજેતાઓ હવે ઝોનલ અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે.