આ ફેકટરી પ્રદુષણ ફેકતી હોવાની ફરિયાદ સંદર્ભે પ્રદુષણ નિયત્રણ બોર્ડે કાર્યવાહી હાથ ધરી ટંકારા : મિતાણા ગામથી પડધરી ટંકારા રોડ પર ધ્રોલીયા ગામના પાટિયા નજીક આવેલી રેકસટાઇલ લેધર પ્રાઇવેટ લિમિટેડમાંથી હવાનું પ્રદુષણ ફેલાવતું હોવાની જાગૃત નાગરિકે ફરિયાદ કર્યા બાદ પ્રદુષણ નિયત્રણ બોર્ડ હરકતમાં આવ્યું છે અને પ્રદુષણ નિયત્રણ બોર્ડની ટિમ આ ફેકટરીમાં પ્રદુષણ મામલે તપાસ અર્થે દોડી ગઈ હતી.પ્રદુષણ બોર્ડ આ ફેક્ટરીમાંથી નમૂના લઈને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. જાગૃત નાગરિકે પ્રદુષણ નિયત્રણ બોર્ડ મોરબીને લેખિતમાં ફરિયાદ કરી હતી કે,ટંકારા નજીક આવેલ રેકસટાઇલ લેધર ફેક્ટરીમાંથી દુર્ગધ મારતું પ્રદુષણ ફેલાય છે.આ ફેકટરી જેવીક કચરોનો ધુમાડો છોડે છે.જેનાથી હવાનું પ્રદુષણ ગંભીર રીતે ફેલાય છે.જેથી આસપાસના લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉદ્દભવ્યો છે.આ પ્રકારની ફરિયાદને પગલે પ્રદુષણ નિયત્રણ બોર્ડ હરકતમાં આવ્યું છે.જેમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબીના અધિકારી કાપડીયાની સુચનાને પગલે જયેશ પાટીલની ટીમ આ ફેકટરીમાં પ્રદુષણની તપાસ અર્થે આવ્યા હતા.ત્યારે આ મામલે અધિકારી કાપડીયા સાથે ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, કંપનીમાં ફોટોગ્રાફી તેમજ વિવિધ પ્રકારના સેમ્પલ લઇને તેને લેબમા મોકલવાની કામગીરી હાથ ધરી છે. રીપોર્ટ આવ્યા બાદ પ્રદુષણની વાત સાચી ઠરશે તો જવાબદાર કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આ કંપનીના માલીક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે તમામ મંજૂરીના કાગળો છે છતા પણ કોઈ છતી કે ભુલ હશે તો સુધારવા કે દંડ ભરવા તૈયાર હોવાનું મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે,ટંકારામા હાલ તો પ્રદુષણને લઈને ભારે ચર્ચા જાગી છે. હરબટીયાળી ગામે પણ ખુદ તાલુકા પંચાયતના પ્રમુખના પતિને સાથે રાખી સાબુના કારખાનાને લઈને ફરીયાદ કરી હતી.તેમજ હિરાપરના પાદરમા પણ આવી ફેક્ટરી ધમધમી રહી છે.ત્યારે હવે પ્રદુષણ અટકાવવા માટે તંત્રને ફરિયાદ કરવામાં આવી છે.