ટંકારા : ટંકારામાં મુસ્લિમ વૃધ્ધ દ્રારા સર્પ પકડવાની અનોખી સેવા આપવામાં આવે છે. જાણે હાથેથી રમકડું પકડે તેમ આ વૃધ્ધ જીવતા જનાવર પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકે છે. અત્યાર સુધીમાં આ વૃદ્ધે અનેક ઘરોમાંથી સર્પ પકડી પાડયા છે અને જરાપણ ખરોચ પહોચાડયા વગર સુરક્ષિત સ્થળે ખસેડીને રાહત અનુભવે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે 'સાપ પણ ના મારે અને લાઠી પણ ન તૂટે' એ વાત અહીના 62 વર્ષના મુસ્લિમ વૃધ્ધ ગનીભાઈ જુમાભાઈ મકવાણા એ સાર્થક કરી બતાવી છે. ટંકારા તથા આજુબાજુના વિસ્તારમાં ગમે ત્યારે કોઇના ઘરે સાપ કે અન્ય ઝેરી જીવ નીકળે ત્યારે ગનીભાઈને જાણ કરતા ક્ષણભરની પ્રતિક્ષા કર્યા વિના નિસ્વાર્થ ભાવે જનાવરને પોતાના હાથે પકડી સુરક્ષિત સ્થળે છોડી મૂકે છે. ગનિભાઈ હિન્દુ મુસ્લિમ એકતાના જીવતા જાગતા દાખલા છે. એ દરેકને રામ કહી બોલાવે છે. એક વખત સોખડામાં ભજન સાંભળવા ગયેલા અને હજારોની મેદની વચ્ચે નાગ નિકળતા ભાગાભાગી મચી ગઈ હતી ત્યારે ક્ષણભરની રાહ જોયા વગર તરત જ નાગને પકડી દુર મુકવામાં આવ્યો હતો. આ જોઈ સ્ટેજ કલાકાર ઈશ્વરદાન ગઢવીએ તેઓના ભરપેટ વખાણ કર્યા હતા.