27 ઓગસ્ટથી મોરબી, ટંકારા, રાજકોટ અને પડધરી તાલુકાના 266 ફીડરોમાં 10 કલાક વીજ પુરવઠો અપાશેટંકારા (મોરબી અપડેટ): તાજેતરમાં વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો હતો અને પાક બચાવવા માટે ખેડૂતો ચિંતિત બન્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 66 ટંકારા - પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા તાજેતરમાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલને એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ પત્રમાં ખેડૂતોના હિત માટે પિયત અર્થે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજ પુરવઠો ફાળવવા માંગ કરવામાં આવી હતી.સરકાર દ્વારા આ રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. લેવાયેલા નિર્ણય મુજબ, 27 ઓગસ્ટથી ટંકારા વિધાનસભા ક્ષેત્રના ચારેય તાલુકાઓ - મોરબી, ટંકારા, રાજકોટ અને પડધરીના કુલ 266 ફીડરોમાં ખેતી માટે 8 કલાકને બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે.ખેડૂતોના હિતમાં ઝડપી અને હકારાત્મક નિર્ણય લેવા બદલ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, કેબિનેટ ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના ઉર્જામંત્રી કૌશિક વેકરિયાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં વીજળીનો સમય વધવાથી ખેડૂતોને પાક બચાવવામાં મોટી રાહત મળશે.#Morbi #Tankara #Paddhari #Rajkot #Farmers #Agriculture #Electricity #GujaratGovernment #MorbiUpdate #NewsUpdate