સદનસીબે જાનહાનિ નહીં: રોડની કામગીરી પર ઉઠ્યા સવાલ મોરબી: મોરબી જિલ્લાના ટંકારાથી વાંકાનેરને જોડતા કોઠારીયા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કોઠારીયા અને ટોળ ગામ વચ્ચે આવેલી કેરમી કેનાલ પાસે એક કાર પલટી ખાઈને નાલામાં પડી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે.અકસ્માતમાં પલટી મારેલી કાર વાંકાનેર મામલતદારના ડ્રાઇવર ઇલિયાસભાઈની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવા બનેલા આ રોડનું કામ જિલ્લા પંચાયત હસ્તક થયું છે, પરંતુ નાલા અને રોડની સાઈડનું કામ અધૂરું અથવા નબળું હોવાથી વાહનચાલકો માટે તે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. જ્યાં અનેક વખતે અકસ્માત સર્જાય છે તેમજ અનેક ફરિયાદો કરવા છતાં અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે અધૂરું કામ કેમ પૂરું કરાવી શકતા નથી, તેવો સવાલ અહીંના પ્રજાજનો અને વાહનચાલકો કરી રહ્યા છે. ત્યારે હાલ લોકો ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. તેથી આ સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવા માંગ ઉઠી છે.