ટંકારા : ટંકારાના જાગૃત વિદ્યાર્થીઓ મોર્ગેશ સંઘાણી, અતુલ પટેલ તથા સનારીયા સંદીપ દ્વારા GSSSB દ્વારા લેવામાં આવેલ ITI Supervisor Instructorની ભરતી પ્રક્રીયાના પરીણામો બહાર પાડી ઓર્ડર આપવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને રજૂઆત કરવામાં આવેલ છે. તેઓએ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે આ ભરતીની ઘોષણા માર્ચ-2019 માં થઈ હતી અને GSSSB દ્વારા પ્રારંભિક પરીક્ષાઓ લેવામાં આવેલ હતી. કોઈપણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક વર્ષ પૂરતું છે. પરંતુ GSSSB એ આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં વધુ સમય લીધો છે. તેથી, બધા વિદ્યાર્થીઓ હવે હતાશામાં છે અને માનસીક તણાવ અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓ 3 મહિનાથી અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. તેથી, આ ભરતીનું શરતી પરિણામ જાહેર કરવા વિનંતી કરેલ છે. વધુમાં, આ ભરતી પ્રક્રિયાના લગભગ 80% કાર્ય પૂર્ણ થઈ ગઈ છે. જો કે હાલમાં સરકાર દ્વારા તમામ ભરતીઓને અટકાવવામાં આવી છે, તેમ છતાં લોકરક્ષક દળ કોનસ્ટેબલોની ભરતીનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને ભરતી પૂર્ણ થઈ ગઈ છે. તેમને અલગ-અલગ જીલ્લાઓમાં નિમણુક પણ અપાય ગયેલ છે. પરંતુ શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના GSSSB દ્વારા, વિભાગના વડા, રોજગાર અને તાલીમ ITI supervisor instructor 2018-19 માં કુલ 2367 જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવી હતી. લેખિત કસોટી લેવામાં આવી છે અને ત્યારબાદની કપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ (સી.પી.ટી.) પણ લેવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરેલ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વેબસાઇટ ઉપર કોઈ જાતની નોટીસ મુકવામાં આવેલ નથી. આ ઉપરાંત, કોન્ટેબલ ભરતીના પરિણામ સંપૂર્ણ ચુકાદા આવતા પૂર્વે શરતોને આધિન નિમણુક આપી દેવામાં આવેલ હોય તો ITI supervisor instructor ની ભરતીમાં, તે જ રીતે પરિણામ જાહેર કરવું શક્ય છે. આ બાબતે લોકડાઉન પહેલા દરેક જીલ્લાના કલેકટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરેલી ત્યારબાદ GSSSB ના ચેરમેન આસીત વોરા તથા તમામ મેમ્બર્સને ફોનથી અને ઇ-મેઇલથી જાણ કરેલી પરંતુ યોગ્ય જવાબ ન મળતા CMO અને PMO માં રજુઆતો મોકલેલી હતી. અને ગુજરાત રાજ્યનાં તમામ MLA, MP, શાશક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓને ફોન પર, રુબરુ અને ઇ- મેઈલથી અરજીઓ મોકલી હતી. ઘણા નેતાઓ દ્વારા લેટરપેડ પરથી મુખ્યમંત્રીને રજૂઆત પણ મોકલવામાં આવેલ છે છતા હજુ સુધી કોઇ નિર્ણય ઉમેદવારોના હિતમાં લેવાયો નથી. ત્યારે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને હજારો બેરોજગારોને રોજગારી આપીને આત્મનિર્ભર બનવાની તક આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. તેમજ હવે સરકાર ઉમેદવારના હીતમાં કોઇ નિર્ણય નહિ આપે તો વિદ્યાર્થીઓ ગાંધી ચીંધ્યા માર્ગે કાયદાની મર્યાદામાં રહી આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.