બે બંધ મકાનને નિશાન બનાવી ઘરવખરી,સમાન વેરવિખેર કરી નાખ્યો ટંકારા : ટંકારા તાલુકાના હીરાપરમાં ગામમાં રવિવારે રાત્રે તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા પરંતુ કાઈ હાથ ન લાગતા તસ્કરો એક ઘરમાં પડેલ બાઇક હંકારીને લઈ ગયા હતા.ચોરીની ઘટના મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ ટંકારાથી જામનગર જવાના માર્ગ ઉપર આવેલ હીરાપર ગામમાં રવિવારની રાત્રીના નિશાચરોએ આંટાફેરા કર્યા હતા. જેમા હાલ મોરબી રહેતા જયંતીલાલ મનજીભાઈ અને મગનભાઈ મોહનભાઈ એમ બન્નેના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, બબ્બે મકાનમાં ખાંખાખોળા કરી આખા મકાનનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો પરંતુ રોકડ રકમ કે ઝવેરાત હાથ લાગી ન હોય ખાલી હાથે પરત ફરવાને બદલે તસ્કરોએ રમેશભાઈ પોપટભાઈનુ બહાર પડેલુ બાઈક નંબર GJ3HN3787 લઈ રફુચક્કર થઈ ગયા હતા. બનાવ અંગે ટંકારા પોલીસ ને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.