ટંકારા : ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્રના દાંતના ડોક્ટર વિરલ પારેખે રાજયના ટોપ ફાઈવ ડોકટરમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે ડો. પારેખને ચૌમેરથી શુભેચ્છા મળી રહી છે. નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિત્તે ઉજવણી ગત 20 માર્ચના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા 350થી વધુ દંત સર્જનોની તાલીમ તેમજ વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાંથી શ્રેષ્ઠ 5 ડોક્ટરોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ટંકારા ખાતે ફરજ બજાવતા ડો. વિરલ પારેખે ટોપ 5માં નંબર મેળવ્યો હતો. જેથી અધિક નિયામક ડેન્ટલ ડો. ગિરીશ પરમારના હસ્તે ડો. વિરલ પારેખનું સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બદલ ટંકારા હોસ્પિટલ અધિક્ષક દિપ ચિખલિયા સહિતના તમામ ડોક્ટરો અને તાલુકાવાસી દ્વારા ડો. વિરલ પારેખને શુભેચ્છા પાઠવી હતી.