ટંકારા : ટંકારાના GRDના ત્રણ જવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેઘપરથી ટંકારા નોકરી પર આવી રહ્યા હતા ત્યારે ઘોડા પીરની ધારથી ખીજડીયા ગામ વચ્ચેના રસ્તા પર એક અલ્ટ્રો કાર અને ખુટિયાનો અકસ્માત થતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઝાલા શક્તિસિંહ ઇન્દ્રજીતસિંહ, જાડેજા બીજરાજસિંહ જયપાલસિંહ અને ઝાલા ભગીરથસિંહ પ્રતાપસિંહ નામના ત્રણેય જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલ વ્યક્તિને ટંકારાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. વ્યક્તિને વધુ પડતું લોહી નીકળતું હોવાથી, જવાનોએ તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ GRD ઇન્ચાર્જ જી.એ. પરમાર પણ તાત્કાલિક હોસ્પિટલે પહોચ્યા હતા. જવાનોની આ સમયસરની અને માનવતાભરી કાર્યવાહી બદલ ત્રણેય જવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.