અલગ-અલગ ખાતા નંબર અને સંયુક્ત ખાતા ધરાવતા ખેડૂતોને સહાયનો પૂરો લાભ ન મળતો હોવાથી નિયમોમાં સુધારા કરવા અપીલટંકારા : ગુજરાત સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવામાં પડતી મુશ્કેલીઓ અંગે ટંકારા તાલુકાના વાઘગઢ ગામના બાબુલાલ એલ. સીણોજીયા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સરકારના નિયમો મુજબ નાના અને સીમાંત ખેડૂતોને મહત્તમ 2 હેક્ટર સુધીની જમીનમાં લાભ મળવાપાત્ર છે. પરંતુ ikhedut.gujarat.gov.in અને digitalgujarat.gov.in પોર્ટલ પર અરજી કરતી વખતે ટેકનિકલ ખામીઓ નડે છે. ઘણા ખેડૂતોની જમીન નાના ટુકડાઓમાં અલગ-અલગ ખાતા નંબરમાં વહેંચાયેલી હોય છે અથવા અન્ય ગામની સીમમાં હોય છે. હાલની સિસ્ટમમાં આધાર નંબરથી એક જ વાર અરજી થતી હોવાથી ખેડૂત પોતાના બાકીના ખાતા નંબરોની જમીનનો સમાવેશ કરી શકતો નથી અને સંપૂર્ણ સહાયથી વંચિત રહી જાય છે.વધુમાં, સંયુક્ત ખાતામાં 4 થી 5 કે તેથી વધુ સહખાતેદારોના નામ નોંધાયેલા હોય છે, પરંતુ ઓનલાઈન વ્યવસ્થામાં માત્ર એક જ વ્યક્તિ અરજી કરી શકે છે. જેના કારણે અન્ય ભાગીદારો અરજી કરી શકતા નથી. આથી દરેક પાત્ર સહખાતેદારને નિયમ મુજબ સહાય મળી શકે તેવી ઓનલાઈન વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.આ અગાઉ કૃષિ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. બાબુલાલ સીણોજીયાએ 25/07/2026 ના રોજ કરેલી આ રજૂઆતમાં બંધારણની સમાનતાની ભાવના મુજબ તમામ ખેડૂતોને સમાન લાભ મળે અને પોર્ટલની ટેકનિકલ મર્યાદાઓ દૂર કરી યોગ્ય નીતિગત સુધારા કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી લાખો ખેડૂતોને ન્યાય મળી શકે.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #FarmersIssue #GujaratGovernment #AgricultureScheme #iKhedutPortal