ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાની તૈયારી કરતા ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે એક અનોખું ઓનલાઈન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સ્કોલરશીપ પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી દર મહિને રૂ. 1,000ની શિષ્યવૃત્તિ મળે છે.તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને બી.આર.સી.ભવન, ટંકારા દ્વારા AI ટેકનોલોજીની મદદથી 50 ઓનલાઈન ક્વિઝ નો કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ ક્વિઝની ખાસિયત એ છે કે દરેક પ્રશ્નનો જવાબ ઓડિયો, ઇમેજ અને ટેક્સ્ટ સ્વરૂપે સરળતાથી સમજાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને તેમના ડાઉટ સોલ્વ કરવામાં મદદરૂપ થાય છે. ક્વિઝ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સ્કોરશીટ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.મોરબી સહિત સમગ્ર ગુજરાતમાંથી હજારો બાળકો આ ઓનલાઈન અભિયાનમાં જોડાઈને NMMS પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આ સમગ્ર ક્વિઝનું સંકલન અને નિર્માણ હિરાપર પ્રાથમિક શાળાના આચાર્ય બેચરભાઈ ગોધાણી (ICT SRG, મોરબી) દ્વારા કરવામાં આવ્યું છે. ટીપીઈઓ ધર્મેન્દ્રભાઈ જીવાણી અને બીઆરસી કલ્પેશભાઈ ફેફર આ અભિયાનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.