ચારેય કિશોરોએ ઓનલાઇન શિક્ષણ મેળવવા મોબાઈલમાં નેટ કરાવ્યું ને પછી અશ્લિલ વીડિયો જોવાના ચાલુ કર્યા, બાદમાં ભાન ભૂલીને આ કૃત્ય આચર્યું ટંકારા : ટંકારા પંથકમાં બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર ચાર કિશોરની પોલીસે અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવ્યા છે. જેનો રિપોર્ટ આવતીકાલે આવનાર છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ટંકારા તાલુકાના એક ગામમાં 10 વર્ષના બાળક સાથે ચાર કિશોરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેનો વીડિયો વાયરલ કર્યાના પ્રકરણે ભારે ચકચાર મચાવી છે. આ મામલે પ્રોબેશનલ એએસએપી અભિષેક ગુપ્તાએ તપાસ ચલાવીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ચારેય કિશોરોની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આવતીકાલે તેમના રિપોર્ટ આવવાના છે. મળતી માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે શાળાઓ બંધ હોય કિશોરોએ ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે મોબાઈલમાં નેટ શરૂ કરાવ્યું હતું અને તેઓ અશ્લીલ વીડિયો જોવાના રવાડે ચડી ગયા હતા. બાદમાં એક દિવસ તેઓ ક્રિકેટ રમવા જતા હતા ત્યારે ભાન ભૂલીને બાળક સાથે આ કૃત્ય આચર્યું હતું. હાલ આ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.