ટંકારાના શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ટંકારા : ટંકારા સહિત રાજ્યમાં એચ ટાટ મુખ્ય શિક્ષકોના વધ-ઘટ બદલી કેમ્પ બંધ રાખવા માંગ સાથે ટંકારાના શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ટાટ મુખ્ય શિક્ષકોના વધ-ઘટ બદલી કેમ્પ બંધ રાખવા માંગને રાજ્ય સરકાર સુધી પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે, આરટીઇ હેઠળ વર્ષ 2012થી શરૂ કરી ક્રમશ: રીતે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં એચટાટ મુખ્ય શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. મુખ્ય શિક્ષકોની નિમણૂક વખતે સરકાર દ્વારા બાળકોની સંખ્યાને ધ્યાને લઇ મુખ્ય શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. આવા શિક્ષકોની નિમણૂકને કારણે શાળાઓમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ અને વ્યસ્થામાં નોંધપાત્ર સુધારો થયો હતો. તેમ છતાં સરકાર દ્વારા શિક્ષકોની બદલીના નવા નિયમ બહાર પાડી તા.19 થી 21 ડીસેમ્બર સુધીમાં વધ ઘટ બદલીઓ કરવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારીઓને આપવામાં આવી છે. જેમાં ધો.1 થી 5 માં કે તેથી વધુ ધો.6 થી 8 માં 100 થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં મુખ્ય શિક્ષકોની બદલીઓ કરવાનો નિર્ણય શિક્ષકો માટે અન્યાયી હોવાથી સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષક વધ ઘટ બદલી કેમ્પને બંધ રાખવાની માંગ કરી છે.