હાઇવે પર ભયજનક વણાંકને કારણે થતા અકસ્માતો નિવારવા સ્પીડબ્રેકર મુકવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત ટંકારા: મોરબી-રાજકોટ હાઇવે પર સર્જાતા વારંવારના અકસ્માતોને કારણે ઘણી માનવ જિંદગીઓનો અકાળે અંત આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ લોકો વિકલાંગ બન્યા હોવાના અઢળક બનાવો બન્યા છે. ત્યારે ખાસ કરીને ટંકારા નજીક આવેલા હરબટીયાળી ગામ પાસે અકસ્માતોનું પ્રમાણ ખૂબ ઊંચું રહ્યું છે. આ દિશામાં પગલાં ભરી અકસ્માત ઝોન તરીકે કુખ્યાત થયેલા હાઇવેના એ ટુકડાને યોગ્ય વણાંક આપવા સહિતની માંગ રાજ્યસરકાર સમક્ષ કરવામાં આવી છે. હરબટીટિયાળી ગામના યુવા એડવોકેટ દ્વારા સરકારમાં રજુઆત કરતા જણાવાયું છે કે, સ્ટેટ હાઇવે 24 ટંકારાના હરબટીયાળી ગામને અડીને પસાર થાય છે. ગામ નજીક જ સ્ટેટ હાઇવેનો ભયજનક વણાંક આવેલો હોવાથી અહીં અકસ્માતોનું પ્રમાણ ખૂબ ઊંચું રહે છે. આ વણાંકમાં થતા અકસ્માતોને કારણે અત્યાર સુધીમાં અમૂલ્ય એવી ઘણી માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે. ગ્રામીણોના વાડી-ખેતર ગામની સામેની દિશામાં હાઈવેની પેલેપાર આવેલા હોવાથી તમામ ખેડૂતો, ખેત મજૂરોને ભયજનક વણાંક વાળો હાઇવે ક્રોસ કરીને ચાલવું પડતું હોય ગ્રામીણો પર સતત અકસ્માતનો ભય મંડરાયેલો રહે છે. વળી જુના ગામના ઝાંપા પાસે હાઈવેની વચ્ચેથી એક જ ક્રોસિંગ પોઇન્ટ આપેલો હોય એ અગવડતાભર્યો બન્યો છે. એક જ ક્રોસિંગ પોઇન્ટ હોવાથી ટ્રેકટર, ટ્રક, કાર જેવા વાહનોને ન છૂટકે રોંગ સાઈડમાંથી ચલાવવા પડતા હોય એ કારણોથી પણ અકસ્માતનું જોખમ વધી જાય છે. રોંગસાઈડમાં ચાલવાનું ટાળવું હોય તો છેક ગામની ઉત્તરે જબલપર કે ગામથી દક્ષિણે છેક હરિપર ગામના પાટિયા સુધી લાબું અંતર કાપવું પડે છે. આ સ્થિતિ નિવારવા નવાગામ પાસે હાઇવે વચ્ચે એક વધુ ક્રોસિંગ પોઇન્ટ આપવા રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત રોડના કાંઠે જ નદી, સ્મશાન, શિવ મંદિર આવેલા હોવાથી બહોળા પ્રમાણમાં લોકોની અવર-જવર રહે છે. ભયજનક ગતિથી ચાલતા વાહનોની ગતિ અહીં મર્યાદિત કરવી જરૂરી હોય ગામની ઉત્તરે તથા દક્ષિણે હાઇવે પર બેઠા સ્પીડબ્રેકરની જરૂર છે. તથા ઉક્ત સ્થળે ઝીબ્રા ક્રોસિંગ, સ્પીડ લિમિટ ચિન્હવાળા બોર્ડ, ભયજનક વણાંકની ચેતવણી આપતું સાઈનબોર્ડ અને સંભવિત અકસ્માત ઝોનનું બોર્ડ લગાવવાની જરૂરિયાત છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પો. લી., માર્ગ અને મકાન વિભાગ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણીને હરબટીયાળી ગામના યુવા વકીલ પાર્થ એમ સંઘણીએ ઉપરોક્ત રજુઆત કરી સત્વરે પગલાં ભરવા રજુઆતમાં જણાવ્યું છે.