મોરબી : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ઓલેક્સ પોલી પ્લાસ્ટ બાકી નાણાં નહિ ચૂકવાનાર અમદાવાદની માધવ ઇન્ડસ્ટ્રીઝ પેઢી વિરુદ્ધ નામદાર ટંકારા કોર્ટમાં કેસ કરતા ટંકારાના પ્રિન્સિપાલ સીવીલ જજ એસ. જી. શેખે મહત્વપૂર્ણ ચુકાદો આપી અમદાવાદની પેઢીને નવ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ કરી ખર્ચની રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો.આ કેસની ટૂંકી વિગત જોઈએ તો, અમદાવાદના સરસપુરના રંગશાળા કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના પ્રોપરાઇટરે ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ ઓલેક્સ પોલી પ્લાસ્ટ નામની પેઢી પાસેથીમાં માલ ખરીદ કરેલ હતો. જેમાં માધવ ઇન્ડસ્ટ્રીઝએ બાકી નીકળતી રકમ રૂ. 5,07,990 ચૂકવવામાં ગલ્લા તલ્લાં કરતાં ઓલેક્સ પોલી પ્લાસ્ટના પાર્ટનર મીતેશભાઈ એસ. જીવાણીએ તેમની પેઢીના એડવોકેટ કેતન કે. નાયક તેમજ નલીન ટી. અઘારા મારફત લીગલ ડિમાન્ડ નોટિસ મોકલેલ હતી. તેમ છતાં માધવ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટરએ બાકી રકમ ન ચૂકવતા નાછૂટકે ઓલેક્સ પોલી પ્લાસ્ટના પાર્ટનરએ ટંકારાના પ્રિન્સિપાલ સીવીલ જજ સાહેબ સમક્ષ બાકીની રકમ વસૂલ કરવા માટે દાવો દાખલ કરેલ હતો.આ દાવામાં માધવ ઇન્ડસ્ટ્રીઝ સામે સમન્સ તેમજ નોટિસ કાઢવાનો હુકમ કરેલ હતો. જે બાદ માધવ ઇન્ડસ્ટ્રીઝ તેઓના વકીલ મારફત કોર્ટમાં હાજર રહેલ હતા. બાદમાં બંને પક્ષકરોની દાવા અંગેની હકીકત, સોગંદનામાં, જુબાની, ઊલટ તપાસ, અન્ય સાહેદોની જુબાની અને ઊલટ તપાસ, લેખિત પુરાવા તેમજ બંને પક્ષકરોના વકીલોની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ટંકારાના પ્રિન્સિપાલ સીવીલ જજ સાહેબ એસ. જી. શેખે ઓલેક્સ પોલી પ્લાસ્ટને અમદાવાદની માધવ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી પાસેથી લેણી રકમ રૂ.5,07,990 (અંકે રૂપિયા પાંચ લાખ સાત હજાર નવસો નેવું પૂરા) સાથે દાવો દાખલ કર્યાથી 9% વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ઓલેક્સ પોલી પ્લાસ્ટ વતી એડવોકેટ તરીકે કેતન કે. નાયક તેમજ નલીન ટી. અઘારા રોકાયેલ હતા.