ટંકારા : વર્ષ 2017માં મોરબી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. જોકે, ખેડૂતો દ્વારા વીમો લેવાયો હોવા છતાં વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને પાક વીમાનું વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. આ મામલે ખેડૂતોએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા વીમા કંપનીઓને તાત્કાલિક વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદામાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આથી, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે ટંકારાના ખેડૂતોને વર્ષ 2017નો પાક વીમો તાત્કાલિક ચૂકવવા માટે મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.મંડળે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ 2017માં ટંકારા તાલુકામાં માત્ર 4 કલાકમાં 17 ઇંચ વરસાદ પડ્યો હતો, જેનો રેકોર્ડ કલેક્ટર કચેરીમાં પણ ઉપલબ્ધ છે. ખેડૂતોને આશા છે કે કલેક્ટર કચેરી દ્વારા કોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવામાં આવશે અને ખેડૂતોને ન્યાય મળશે.