વચેટિયા રાજને ખતમ કરવા લોકો આગળ આવી એસીબીમાં ફરિયાદ કરવી જોઈએ : અરજદારોની જાગૃતિથી લેભાગુ અધિકારીઓની નિતી પણ બદલી જશે ટંકારા : હાલ ભ્રષ્ટાચારે કોઈ પણ ખૂણો બાકી રાખ્યો નથી. દરેક ક્ષેત્રમાં થોડા કે વધુ અંશે ભ્રષ્ટાચાર જોવા મળે જ છે. જેમાંથી ટંકારા પણ બાકાત રહ્યું નથી. હાલમાં ટંકારા પંથકમાં ભ્રષ્ટાચારની ફરિયાદો વધુ ઉઠી રહી છે. ત્યારે આ બાબતે લોકોએ જાગૃત થવાની જાગૃત નાગરિકો દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ નાના નાના સરકારી કામો માટે વચેટિયા રાજને ખતમ કરવા લોકો આગળ આવી એસીબીમાં ફરિયાદ કરવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર સામે લડત લડવા અને લોકોને જાગૃત કરવા ટંકારાના અમુક બુદ્ધિજીવી લોકોએ એક મુહિમ શરૂ કરી છે. જેમાં લોકોને સરકારી કામોમાં પૈસા લેતા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ ગ્રુપ દ્વારા જણાવાયું છે કે ટંકારાએ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ છે. દયાનંદ સરસ્વતીજીએ સત્ય અને જાગૃતિ અર્થે પોતાનું સમગ્ર જીવન સમાજને અર્પણ કરી દીધું હતું. ત્યારે આ ભૂમિ ઉપર વસતા લોકોની પણ ફરજ છે કે તેમનું ગૌરવ જાળવી રાખવુ. હાલ ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યું છે. રેશનકાર્ડ હોય કે રોડ બનાવવાનુ કામ, લાઈટનું હોઈ કે કોઈ કચેરીનુ હોય કે જમીન રેકોર્ડનું હોય તમામ કામ કરાવવા અરજદાર પોતાની રીતે કરવાની જગ્યા એ કોઈ ઓળખીતા રાજકીય આગેવાનનો સહારો લે છે અથવા તો વચેટિયા કે એજન્ટનો. જેથી પોતાનું સાચું કામ ઝડપથી પતી જાય તેવુ વિચારી પૈસા ખર્ચ કરી નાખે છે. એક બાજુ ખુદ સરકાર જ જાહેરસેવા નાગરિકના અધિકારનો કાયદો અમલમાં લાવી વન ડે સર્વિસની સુંદર વ્યવસ્થા કરી છોડો લાઈન આવો ઓનલાઈનના સુત્રો પણ આપ્યા હતા. પરંતુ લોકોમાં જાગૃતિનો અભાવ અને અન્ય કારણોસર તેની અમલવારી થતી નથી જેના કારણે એક દિવસમાં કરવાનું કામ એક અઠવાડિયા સુધી પણ ન થતાં અરજદારો હેરાન થઇ વચેટીયાઓનો સહારો લે છે. સરકારી વિભાગોમાં અરજદારને કાગળોને લઈને અમુક લેભાગુ અધિકારી ગોળ ગોળ રાઉન્ડ ફેરવીને પુરતા કાગળો માટેની કેસેટ વગાડે છે. જ્યારે અમુક લોકો આધા અધુરા કાગળોથી પણ કામ પતાવી લેતા હોય અરજદાર માથુ દુખે કે પેટ તેની દવાની વ્યવસ્થા કરી આપે છે અને ત્યારે આ જ બાબતનો લાભ વચેટીયાઓ ઉઠાવી 200 કે 500 રૂપિયામાં કામ કઢાવી લેવાની લાલચ આપતા અરજદારોને પણ પોતાનો ચોખ્ખો નફો દેખાય છે. અને કોઈ પણ પ્રકારના ડર વગર પૈસાની લેતી દેતી ખુલ્લેઆમ થાય છે. ત્યારે ટંકારાના જાગૃત નાગરિકોના ગ્રુપ દ્વારા ટંકારાની જનતાએ આજના સંવિધાન દિવસે પોતાને મળતા મૂળભૂત હકો જાણી અને તેના માટે લડત કરી અને ઇમરજન્સી કામ કરાવવાની જગ્યાએ નિયત સમયમાં નિયત નમૂનામાં કાગળો આપી કરાવી અને આવનાર પેઢી માટે એક સારો સુંદર અને સ્વચ્છ રસ્તો કંડારવા માટે આગળ આવવા અપીલ કરી છે. અને જો તમારી પાસે કોઈ પૈસા માગે તો લાંચ રુશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરવો જોઈએ અને જાગૃતતા લાવવી જોઈએ. લાંચ વિરોધી બ્યુરોના ટોલ ફ્રી નંબર : 1064 અથવા 1800 233 44444