મોરબી અને ધુનડાના બે ભેજાબાજ શખ્સો વિરુદ્ધ ફરિયાદ ટંકારા : આર્થિક સંકડામણમાં ફસાયેલા ટંકારાના યુવાનને રૂપિયા ૧૦ હજાર ઉછીના આપી બદલામાં આધારકાર્ડ, પાનકાર્ડ મેળવી લઈ બે ભેજાબાજ યુવાનોએ બોગસ કંપની ઉભી કરી ભોગ બનનાર યુવાનના નામે દોઢ કરોડની સિરામિક આઈટમોનો વેપાર કરી લીધો હોવાની ચોંકાવનારી ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારા ગામે રહેતા રાજેશ રામજીભાઈ બારૈયા ઉ. ૪૧ ને રૂપિયા ૧૦ હજારની જરૂરત પડતા તેમણે મોરબીના ધર્મેશ રબારી અને ધૂનડા ગામના ધર્મેન્દ્ર રબારી પાસેથી નાણાં ઉછીના લીધા હતા. દરમિયાન નાણાં ઉછીના આપવાના બદલામાં બન્ને શખ્સોએ ફરિયાદી રાજેશભાઇ બારૈયાના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા અને બાદમાં રાજેશભાઇના નામે જીએસટી નમ્બર પણ મેળવી લઈ કાવ્યા સિરામિક નામની પેઢી બનાવી લીધી હતી. સૌથી ચોકવનારી બાબત તો એ છે કે બન્ને ભેજાબાજ આરોપીઓ દ્વારા રાજેશભાઇના ડોક્યુમેન્ટના આધારે બારોબાર કંપની ઉભી કર્યા બાદ મોરબીની જુદી જુદી પેઢીઓ પાસેથી રૂ. ૧,૪૮,૭૪,૭૭૫ નો વેપાર પણ કરી નાખ્યો હતો. બીજી તરફ ટંકારાના આ યુવાનની ફરિયાદને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી છે અને બારોબાર કંપની ઉભી કરી છેતરપિંડી મામલે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ભેજાબાજોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.