બે શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ ટંકારા : ટંકારાના વીરવાવ ગામે ખેતરના શેઢે ખેડવા મામલે ખેડૂત પર બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ખેડૂતે બે શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વનરાજસિંહ હઠુભા જાડેજા (ઉ.વ.૪૨ ધંધો-ખેતી રહે વીરવાવ તા.ટંકારા) એ આરોપીઓ સતુભા નવુભા જાડેજા, હરપાલસિંહ સતુભા જાડેજા (રહે-બન્ને વીરવાવ તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૧૧ના રોજ રાત્રીના સવા આઠેક વાગ્યાના અરસામા વીરવાવ ગામે આરોપીઓએ ફરીયાદીને કહેલ કે 'તુ અમારા ખેતરનો શેઢો કેમ ખેડે છે' તેમ કહી આરોપીઓએ ફરીયાદીને ગાળો દેતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા એકદમ ઉશ્કેરાય ગયેલ આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે જમણા હાથમા માર મારી ઇજા કરેલ તેમજ લોખંડનો પાઇપ માથામા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી ટંકારા પોલીસે બન્ને આરોપીઓ સામે આઇ.પી.સી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી,એકટ કલમ ૩૭(૧).૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.