ખેડૂતોને વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યુંમાળિયા (મિયાણા) : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના સરવડ ગામે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતામાં માળિયા (મિયાણા) તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ- 2024નો શુભારંભ કરવામાં આવ્યો હતો.સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા રવિ કૃષિ મહોત્સવની સમાંતર મોરબી જિલ્લામાં સરવડ ખાતે માળિયા (મિયાણા) તાલુકાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો તથા કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માળિયા (મિયાણા) તાલુકાના 530થી વધુ ખેડૂતો આ રવિ કૃષિ મહોત્સવમાં જોડાયા હતા. વિવિધ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલ પરથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.