મોરબી : સમગ્ર શિક્ષા મોરબી અને બી.આર.સી. ભવન મોરબી દ્વારા તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડન્સ વર્કશોપ યોજાયો હતો. જેમાં આજે સવારે ધી. વી.સી. હાઈસ્કૂલ અને બપોર પછી શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડન્સ વર્કશોપ યોજાયો હતો. જેમાં ધોરણ 9થી 12 ના અંદાજે 500 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા તથા એઈઆઈ અંબારિયાએ હાજરી આપી હતી. મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા સંદર્ભે પોતાના અનુભવોને વણીને પ્રેરક ઉપયોગી ઉદબોધન આપ્યું હતું. સમગ્ર શિક્ષામાંથી જિલ્લા કો-ઓર્ડિનેટર ડાભી, જિલ્લા એમ.આઈ.એસ. ખૂશ્બુ, જિલ્લા રીસોર્સ પર્સન સોનલબેન તથા મોરબી બી.આર.સી. કો-ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને કલ્યાણ મંત્રથી કરવામાં આવી હતી. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દીપ્તીબેને સ્વાગત પ્રવચન આપ્યું હતું. મહેમાનોનું પુસ્તક અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. પ્રસ્તાવના અને વર્કશોપ વિશે ચિરાગભાઈ આદ્રોજાએ માર્ગદર્શન આપ્યું હતું. રોજગાર કચેરીમાંથી ચતુરભાઈ વરાણિયાએ ઊંડાણપૂર્વક ઉપયોગી માહિતી આપી હતી. ITI મોરબીના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મકવાણા અને પરમારે જુદા જુદા ચાલતા ટ્રેડ વિશે વાર્તાલાપ કર્યો હતો. જિલ્લા કો-ઓર્ડિનેટર ડાભીએ કારકિર્દી અને વોકેશનલ અંતર્ગતના પ્રોજેક્ટ વિશે પ્રકાશ પાડ્યો હતો. નવા જાંબુડિયા પ્રાથમિક શાળાના શિક્ષક રવિભાઈ ઝાલાએ પોતાની આગવી શૈલીમાં મોટીવેશન પ્રવચન આપ્યું હતું. સમાપન કાર્યક્રમમાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતાં. રીફ્રેશમેન્ટ અને સ્ટેજ વ્યવસ્થા માટે બન્ને સ્કૂલના વોકેશનલ ટ્રેઈનર તથા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોતરી થઈ હતી. સમગ્ર સંચાલન તથા આભારવિધિ સી.આર.સી. કો. શૈલેષભાઈ કાલરિયાએ કર્યુ હતું. ભવિષ્યમાં પોતાની મનપસંદ ક્ષેત્રમાં સફળ કારકિર્દી ઘડી મોરબી તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.