વાંકાનેર : વાંકનેરની શ્રીમતી એલ.કે.સંઘવી ઉ.મા. કન્યા વિદ્યાલય બી આર સી ભવન દ્વારા તાલુકા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના આ કેરીયર કાઉન્સિલિંગ અને ગાઇડલાઇન્સ સેમિનારમાં બી.આર.સી. ભવનમાંથી બી.આર.સી. મયુરસિંહ, સી.આર.સી ઈકબાલભાઈ શેરસીયા, SSA કચેરીમાંથી મુકેશભાઈ ડાભી તેમજ મોરબી રોજગાર કચેરીમાંથી ચતુરભાઈ વરાણીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રોજગાર કચેરીના કેરીયર કાઉન્સેલર ચતુરભાઈ વરાણીયા દ્વારા ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થિની બહેનોને પોતાના કૌશલ્યને અનુરૂપ તે ક્યા ક્ષેત્રમાં આગળ વધી શકે તેના વિશે સમજાવ્યું હતું. વિદ્યાર્થિની બહેનો પોતાની સ્કિલથી પણ કઈ રીતે બિઝનેસ વુમન બની શકે તે માટે માહિતગાર કરવામાં આવી હતી. SSAના મુકેશભાઈ ડાભી દ્વારા વિદ્યાર્થિની બહેનોને કારકિર્દી લગતી વિશેષ માહિતી જેવી કે સ્કિલ એજ્યુકેશનનું મહત્વ, સરકારના ધ્યેય અને કેરિયર પોર્ટલના ઓનલાઈન અભ્યાસક્રમ અને સર્ટીફિકેટ કોર્ષનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બી.આર.સી. કો-ઓર્ડિનેટર મયુરસિંહ ઝાલા દ્વારા વિદ્યાર્થિની બહેનોને આ સુવર્ણતક ઝડપી પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી આગળ વધવા સમજાવ્યું હતું. તેમજ D.O.O વિશિષ્ટ કારર્કિદીના માર્ગદર્શન હેઠળ 16 જેટલી જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુરૂપ લાઈબ્રેરી નાના અંતરિયાળ ગામમાં શરૂ થવાની છે તેનો પણ લાભ લેવા જણાવ્યું હતું. તેમજ રાજકોટના તેજ તારા ફાઉન્ડેશનમાંથી પધારેલ દર્શનાબેન દોમડીયા દ્વારા કારર્કિદી એટલે શું ? અને તે માટેની યોગ્ય તકો અને માપદંડો સમજાવ્યા હતા. આ કાર્યક્રમમાં બી. આર. સી. ભવન વાંકાનેર દ્વારા ધોરણ 9 થી 12ની તમામ વિદ્યાર્થિની બહેનોને સ્ટેશનરી કીટ તેમજ નાસ્તો આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે શાળાના પ્રધાનાચાર્ય દર્શનાબેન જાની દ્વારા કારકિર્દીના સેમિનાર માટે તેમજ વિદ્યાર્થિની બહેનોને મળેલા તજજ્ઞના શ્રેષ્ઠ માર્ગદર્શન બદલ દરેક શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.