વહેલી સવારથી કમોસમી મેઘો મંડાયો : હળવદમાં વાદળો ઘેરાયા, માળિયામાં તડકી દેખાઈ મોરબી : મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી મેઘો મંડાતા લોકોને બહાર નીકળવા માટે ચોમાસામાં ઉપયોગી છત્રી ખંખેરીને શિયાળામાં ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી ટંકારા, વાંકાનેર અને મોરબીમાં ઝરમર - ઝરમર કમોસમી મેઘો વરસવાનું શરૂ થતા બાળકોને સ્વેટરમાં લપેટી માથે રેઇનકોટ પહેરાવા પડ્યા હતા ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી વાતાવરણમાં આવેલ પલટાને કારણે પહેલા ઝાકળવર્ષા બાદ ગઈકાલ સાંજથી કમોસમી મેઘસવારી આવી પહોંચી હતી અને આજે વહેલી સવારથી જ મોરબી શહેરમાં ઝરમર વરસાદ શરૂ થતાં માર્ગો ઉપર પાણી વહેતા થયા હતા. બીજી તરફ મોરબી શહેરની સાથે - સાથે ટંકારા તાલુકાના હડમતીયા, લજાઈ, ટંકારા, છતર, મિતાણા સહિતના ગામોમાં પણ સવારથી કટાણે આવેલો મેઘો શરૂ થતા ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા છે.કારણકે હાલમાં જીરું, ચણા, ઘઉં, લસણ, ધાણા સહિતના પાકો વાડી ખેતરમાં લહેરાઈ રહ્યા છે તેમાં કમોસમી વરસાદથી નુકશાન અને રોગ આવવાની ભીતિ છે. દરમિયાન વાંકાનેર શહેરમાં અને આજુબાજુના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સવારથી માવઠું વરસી રહ્યું છે પરિણામે સ્કૂલે જતા બાળકો અને રોજી રોટી કમાવા જતા શ્રમિકોને બેવડી ઋતુની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે મોરબી જિલ્લામાં ગઈકાલે જ્યાંથી માવઠાની શરૂઆત થઈ હતી ત્યાં હળવદ તાલુકામાં હજુ સુધી કમોસમી વરસાદ શરૂ થયો નથી પરંતુ વાદળો ઘેરાયેલ હોય માવઠાની શકયતા છે. ઉપરાંત માળીયા તાલુકામાં ગઈકાલે માત્ર છાંટા છૂટી થઈ હતી અને આજે સવારથી તડકી નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ચાર પાંચ દિવસની ઝાકળવર્ષા અને બાદમાં ગઈકાલથી કમોસમી વરસાદને પગલે મોરબી જિલ્લામાં ઠંડી વધતા લોકોને આજે કમોસમી વરસાદ વચ્ચે સ્વેટરની સાથે રેઇનકોટમાં ઢબુરાઈ બહાર નિકળવું પડ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..