મોરબીમાં પાંચ મહિનામાં સ્પીડબ્રેકર 300થી વધુ સ્પીડ બ્રેકર બની ગયા : અડધા કરોડનું આંધણ કરી જબરૂ કૌભાંડ કરી નંખાયું રાતો-રાત ફૂટી નીકળેલા બમ્પને કારણે અકસ્માત ઘટવાને બદલે ભૂફાકા ખાતા લોકો : ચીફ ઓફિસરે વધુ 25 લાખનું પેમેન્ટ અટકાવ્યું મોરબી : એય ને મારો તમ તમારે ઠેકડા.....મોરબી શહેરમાં રોડ-રસ્તાના ઠેકાણા નથી એવામાં પાલિકાના કોન્ટ્રાકટરે પાંચ વર્ષ બાદ અચાનક પ્રગટ થઈ રાતોરાત મોરબીમાં પોલીસ સાથે પરામર્શ કર્યા વગર જ ઠેકઠેકાણે સ્પીડબ્રેકરનો ખડકલો કરી નાખતા ખુદ ચીફ ઓફિસર ચોંકી ઉઠ્યા છે. જો કે,છેલ્લા ચાર પાંચ મહિનામાં જ શહેરમાં ખડકી દેવાયેલા આડેધડ બમ્પ પેટે રૂપિયા 45 લાખ જેવી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે. જો કે, વધુ 25 લાખનું પેમેન્ટ નવા ચીફ ઓફીસરે રોકી દીધું છે. મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનામાં નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, કાઉન્સિલર કે પોલીસના પરામર્શ વગર જ ઠેકઠેકાણે પ્લાસ્ટિકના બમ્પ ઠોકી બેસાડતા લોકોને સાયકલ કે વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. આ મામલે મોરબી દ્વારા જીણવટ ભરી તપાસ કરાવમાં આવતા ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે અને પોલીસ કે ચીફ ઓફિસરને જાણ કર્યા વગર જ આડેધડ સ્પીડ બ્રેકર ઉભા કરવા મામલે ચીફ ઓફિસર દ્વારા રૂપિયા 25 લાખનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આડેધડ ઉભા થયેલા સ્પીડ બ્રેકર મામલે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સ્પીડ બ્રેકરનો કોન્ટ્રાકટ જ શંકાના પરિઘમાં છે. પાંચ વર્ષ અગાઉ ઓફલાઈન ટેન્ડર પ્રસિદ્ધ થતા હિતેશકુમાર એચ.ત્રિવેદી નામની પાર્ટીએ આ ટેન્ડર ભર્યું હતું પરંતુ કામગીરી કરી ન હતી બાદમાં આ પેઢી જાન્યુઆરી-2022માં પોતાની 50 હજારની ડિપોઝીટ પરત લેવા આવતા તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા કામ શરૂ કરવા સૂચના આપવામાં આવતા આડેધડ સ્પીડ બ્રેકર મૂકી આ પેઢીએ રૂપિયા 45 લાખનું પેમેન્ટ પણ મેળવી લીધું હતું. બીજી તરફ મોરબીમાં ગલીએ ગલીએ ઉભા થયેલા સ્પીડબ્રેકર મામલે ફરિયાદોનો ધોધ વછૂટતાં ચીફ ઓફિસર ઝાલાએ કોન્ટ્રાક્ટરને ક્યાં-ક્યાં કેટલા સ્પીડબ્રેકર મુક્યા તેનો હિસાબ માંગવાની સાથે પોલીસ સાથે પરામર્શ અંગેની વિગતો માંગતા કોન્ટ્રાકટર દ્વારા વધુ રૂપિયા 25 લાખનું બિલ પાલિકામાં રજુ કરતા ચીફ ઓફિસર ઝાલા દ્વારા હાલમાં કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે. જો કે, ઓફલાઈન ટેન્ડરની જોગવાઈ મુજબ માત્ર રૂપિયા 5 લાખ જ ચૂકવી શકાતા હોવા છતાં 45 લાખ રૂપિયા કેમ ચૂકવાઈ ગયા ? અને હવે આ પોલીસની મંજૂરી વગર આડેધડ ખડકાયેલા આ સ્પીડ બ્રેકરનો ઈલાજ શું તે સહિતના પ્રશ્નો ઉભા થયા છે.