ભુમાફિયાઓને બદલે લોકહિતના કાર્યો કરતી પંચાયત સામે ભૂસ્તર શાખા કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ મોરબી : મોરબી જિલ્લા ભૂસ્તર શાખા ભુમાફિયાઓને દંડવાને બદલે પંચાયતના લોકહિતના કાર્યો સામે કાર્યવાહી કરે છે તેવા આક્ષેપ સાથે જિલ્લા સરપંચ જૂથના નેજા હેઠળ વિવિધ સરપંચોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયુ હતું કે મોરબી જિલ્લામાં હાલ ખનીજ માફિયા બેફામ બન્યા છે. ૨૪ કલાક ખનીજ ચોરી કરી પંચાયત તથા સરકારી તિજોરીને મોટા પાયે નુકસાન કરી રહ્યા છે. આ બાબતે મોરબી જિલ્લા ભૂસ્તર વિભાગ તદન વામળુ નીવડયુ છે. આવા ખનીજ માફિયાને દંડવાને બદલે જ્યાં પંચાયતના કે લોકહિતના કામ થતાં હોય ત્યાં ખોટી રેડ કરીને પોતાની પીઠ થાબડી લ્યે છે. હાલમાં ગોર ખીજડીયા ગામે તથા થોડા સમય પહેલા લજાઈ ગામે આવાજ લોકહિતના કામ કરતા વાહનોને દંડવામાં આવ્યા હતા. ભૂસ્તર શાખા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મોરબી જિલ્લાને ખનીજ માફિયાથી બચાવવામાં આવે તેવી માંગ છે.