મકાન કે વાહન માટે લોન લેનારનું અકસ્માતે મૃત્યુ થાય તો બાકી રહેતી રકમ વિમા કંપનીએ ભરવાની હોય છે, છતાં મૃતકના પરિવારને લોન પુરી કરવા પરેશાન કરવામાં આવતો હોવાની ફરિયાદમોરબી : ફાયનાન્સ કંપનીઓ તેમજ પ્રાઈવેટ બેન્કો દ્વારા મકાન લોન કે વાહન લોનના નામે લોન ધારકોને ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક મંડળ દ્વારા રિઝર્વ બેંકના ગવર્નરને રજુઆત કરી નિયમોનું ઉલ્લંઘન કરનારના લાયસન્સ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જણાવાયુ છે કે સમગ્ર મોરબી જિલ્લામાં ખાનગી બૅન્ક કે ફાયનાન્સ કંપનીઓને આપેલ સતાનો દુરૂપયોગ થતો હોય તેમ જણાઈ રહયું છે. ઘરની મુખ્ય વ્યક્તિએ મકાન કે વાહન માટે ફાયનાન્સ કંપની કે ખાનગી બેન્ક પાસેથી લોન લીધેલ હોય, હપ્તા પણ રેગ્યુલર ભરતા હોય છે પરંતુ અકસ્માતે મુળમાલિક મરણ પામે તો તેનો વિમો હોય છે. નિયમ મુજબ તેની બાકી રહેતી રકમ વિમા કંપનીએ ભરવાની હોય છે પરંતુ કમનશીબે લોન આપનારી સંસ્થા એવી વિમા કંપનીનો વિમો લેવડાવે છે. કોઈ પણ બહાના હેઠળ જે તે વિમા કંપની વિમો આપવાની ના પાડે છે. આમ વિમો આપવાની ના પાડતી ફાયનાન્સ કંપની અને ખાનગી બેન્કો મકાન કે વાહન લોનની રીકવરી માટે મરણજનાર લોન ધારકની વિધવાઓને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપે છે. તે કોઈપણ સંજોગોમાં ચલાવી લઈ શકાય તેવું કૃત્ય નથી. વધુમાં અરજદારો ગ્રાહક અદાલતમાં વિમા કંપની કે ખાનગી બેન્ક સામે કેસ દાખલ કરે તો તેમાં પણ નિવેડો આવતા સમય લાગે છે. આવા સંજોગોમાં બે ત્રણ હપ્તા ચડી જાય તો લોન વાળુ વાહન જપ્ત કરી લેવા અને મકાન લોન હોય તો મકાનને સીલ મારી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે. આમ આવી રીતરસમ અજમાવી ૨૫ લાખની કિંમતનું મકાન ૧૦ લાખની લોનમાં સીલ કરી દેવામાં આવે છે અને વધુ સમય વીતી જાય તો તેની જાહેર હરરાજી કરી પડાવી લેવાની પેરવી કરવામાં આવે છે. આવી બધી કાર્યવાહી કાયદા વિરૂધ્ધની કરવામાં આવે છે. રીઝર્વ બેન્કે એ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે આવી સીલ મારવાની સતા ખાનગી બેન્કો કે ફાયનાન્સ કંપનીઓને આપવામાં આવેલ છે ખરી? તેજ રીતે ચેક રીટર્ન થતા રૂા. ૫૦૦/- પેનલ્ટી લેવાની સતા છે ? કે આવી સંસ્થાઓ મનસ્વી રીતે નવા કાયદા બનાવીને ગ્રાહકોને ત્રાસ આપેછે તે વ્યાજબી છે? આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. જે તે બેન્ક કે ફાયનાન્સ કંપનીના જવાબદાર અધિકારી કે માણસ મકાનના હપ્તા ઉઘરાવવા આવે ત્યારે મર્યાદામાં રહીને ગ્રાહકો સાથે વર્તન કરે તે પણ જરૂરી છે કારણ કે આવા જવાબદાર માણસો ગ્રાહકો સાથે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી માનસિકરીતે પરેસાન કરે છે. જે પણ વ્યાજબી નથી. આવા કોઈપણ કિસ્સામાં પોલીસ ખાતામાં કોઈ ગ્રાહક જાય તો તેવી ફરિયાદની એફ.આઈ.આર. નોંધવી જરૂરી છે.અમારી માંગણી છે કે વધારે દેવાદાર આપઘાત ન કરે માટે મકાનને સીલ મારતા પહેલા સીવીલ કોર્ટમાં કેસ ચલાવે અને કલેકટર કે મામલતદારની હાજરીમાં જે તે બાકી લોનધારકના મકાનને સીલ મારવામાં આવે, નહીંતર આવી સંસ્થાઓ મોંધા મકાન સસ્તાભાવે પડાવી લેશે.