મોરબી: રમતગમતને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી મોરબી મહાપાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિક્સ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૨૭થી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય સ્પોર્ટ્સ ઇવેન્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ અને 29 ઓગસ્ટે મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહી છે.આ ઓલિમ્પિક્સમાં વિવિધ છ રમતો જેવી કે બેડમિંટન, ટેબલ ટેનિસ, ચેસ, ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડ, અને વોલીબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધાઓમાં કુલ ૪૦૦ જેટલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે મોરબીમાં રમતગમત પ્રત્યેના ઉત્સાહને દર્શાવે છે.ગઈકાલે ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની દોડ તેમજ વોલીબોલની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. જ્યારે આજે ટેબલ ટેનિસ અને બેડમિંટનની સ્પર્ધાઓ એલ.ઈ. કોલેજ ખાતે યોજાઈ હતી. આ ઓલિમ્પિક્સ મોરબીના રમતગમતના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી રહ્યું છે.