રજીસ્ટ્રેશનમાં ધાંધિયાથી નારાજ ખેડૂતોએ ભારે આક્રોશ ઠાલવ્યો મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડ આજે ચણાની ખરીદીના રજીસ્ટ્રેશનમાં ધાંધીયા મામલે ખેડૂતોમાં હોબાળો મચી ગયો હતો. ચણાની ખરીદીના છેલ્લા કેટલાક સમયથી ચાલતા લોલમલોલ રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી નારાજ થઈને ખેડૂતો વિફર્યા હતા. ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરતા સ્ટાફના મનસ્વી વર્તન સામે ખેડૂતો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી ચણાની ખરીદી માટે રેજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. પણ આ રેજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈને કોઈ ખામી સર્જાતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને સર્વર ડાઉન, રજીસ્ટ્રેશન કરતા સ્ટાફની મનમાની સહિતની સમસ્યાઓને કારણે ખેડૂતો ભારે હેરાન થાય છે. અગાઉ અનેક વખત ખેડૂતોમાં હોબાળો થયા બાદ આ ચણાની ખરીદીના રેજીસ્ટ્રેશન માટે ધાંધીયા યથાવત રહેતા ખેડૂતોએ આજે ફરી હોબાળો મચાવ્યો હતો. અને ચણાની રેજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈને કોઈ મુશ્કેલી થતી હોવાથી ખેડૂતોને વારંવાર ધક્કા કરવા પડતા હોવાનો પણ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આમ, સમયસર કામગીરી નહીં કરીને ખેડૂતો પરેશાન થઈ રહ્યા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.