આજે ૫ ડિસેમ્બર : વિશ્વ માટી દિવસ : વર્ષ ૨૦૨૪ની થીમ - જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થામોરબી : જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જમીન દિવસની ઉજવણી “જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થા” થીમના આધારે કરવામાં આવી રહી છે.જમીન પર થતી ખેતી એ જીવસૃષ્ટિના આહારનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ, ખારાશ અને આડેધડ રસાયણોના ઉપયોગથી અનેક હેક્ટર ખેતી લાયક જમીન બંજર બની રહી હતી. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉદભવી રહી હતી. આ સમસ્યાના સમાધાન માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩-૦૪માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું.સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ માટી દિવસ વર્ષ ૨૦૧૪ થી દર વર્ષે ૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. લોકોને જમીનના મહત્વ વિશે જણાવવા તેમજ જમીનની ગુણવત્તા વિશે જાગૃત કરવા દર વર્ષે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખેતીલક્ષી જમીનમાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના છંટકાવથી પાકના ઉત્પાદનો અને પોષકતત્વોનું પ્રમાણ ઘટયું છે. આ ઓછા પોષકતત્વોવાળા ખોરાક આપણે લઈએ છીએ જેને લીધે કુપોષણ સહિત બિમારીના પ્રશ્નો ખુબ જ વધ્યા છે. ત્યારે જમીન સ્વસ્થ હશે તો જીવન સ્વસ્થ રહેશે. ____________________________________________જમીન ચકાસણીની જરૂરીયાતપ્રયોગશાળામાં જમીનનું રાસાયણિક પૃથક્કરણ કરતાં જમીનનો પ્રતિક્રિયા આંક પી.એચ. કુલ દ્રાવ્ય ક્ષારના ટકા, સેન્દ્રીય કાર્બન તત્વના ટકા, નાઇટ્રોજનના ટકા, ફોસ્ફરીક એસીડના ટકા અને પોટાશના ટકા સહિત માહિતી મળે છે. જમીનનું બંધારણ, નિતારશક્તિ,ભેજ સંગ્રહ શક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મોની માહિતી મેળવવા, જમીનની ફળદ્રુપતાની કક્ષા જાણવા, પાકને ખાતરોની જરૂરીયાત નક્કી કરી ભલામણનો દર નિયત કરવા, જમીન સુધારવાના ઉપાયો કરવા, જમીન ધોવાણનુ પ્રમાણ જાણવા ઉપયોગી છે.____________________________________________જમીન ચકાસણીના ફાયદાઓજરૂરીયાત મુજબના પ્રમાણમાં જ ખાતરો વાપરવાથી બીનજરૂરી ખાતરનો ખર્ચ ઘટાડી શકાય, ભલામણ મુજબના પાકોની ફેરબદલી કરી શકાય, ખેત પેદાશોનુ ઉત્પાદન વધારી શકાય,ખેડૂતોનો સમય અને શક્તિનો વ્યય ઘટે છે, જમીનમાં ક્યાં પોષક તત્વોની ઉણપ છે તે જાણી શકાય, ભલામણ મુજબ ખાતરો આપવાથી જમીન સચવાય રહે, પાકની ફેરબદલી કરવામાં અનુકુળતા રહે છે, ખાતરોની જરૂરીયાત કેટલી ક્યારે પડે છે, તેનો ચોક્કસ અંદાજ આવે છે, જમીન ક્યાં પાકો માટે વધારે અનુકૂળ છે તે જાણી શકાય તે સહિત ફાયદાઓ છે.____________________________________________