મોરબી : હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત આશ્રમ શાળાનું તેના પુત્રના જન્મદિવસ નિમિત્તે સ્વામી સચ્ચિદાનંદ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. હાસ્ય કલાકાર અને લેખક જગદીશ ત્રિવેદીએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક આશ્રમશાળા બનાવી આપી છે. જેમાં કુલ ૧૬૬ જેટલાં જરુરીયાતમંદ આદીવાસી બાળકો ત્યાં જ રહીને અભ્યાસ કરે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર વર્ગખંડ અને પહેલા માળે હોસ્ટેલનાં બે હોલ મળીને આશરે પાંત્રીસ લાખ રુપિયાનાં ખર્ચે તૈયાર થયેલા આ ભવનનું ક્રાંતિકારી સંત, પ્રખર વકતા અને લોકપ્રિય લેખક એવા સ્વામિ સચ્ચિદાનંદજીએ ૧૬ જૂન બુધવાર સવારે લોકાર્પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે જગદીશ ત્રિવેદીએ આ અગાઉ પત્નીના જન્મદિવસે પત્નીના નામની સરકારી શાળાનું લોકાર્પણ કર્યું હતું અને પુત્ર મૌલિકના જન્મદિવસે પુત્રના નામની સરકારી શાળાનું લોકાર્પણ કર્યું છે. એમના દ્વારા આ પાંચમી સરકારી શાળાનું નિર્માણ થયું છે. તદુપરાંત, એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય મળીને કુલ સાત મકાનના લોકાર્પણ સાથે એમના વ્યક્તિગત દાનની રકમ બે કરોડને પાર કરી ગઈ છે.