60 સ્ટોલ સાથે સ્થાનિક કારીગરો માટે થયું રોજગારીનું સર્જનવોકલ ફોર લોકલની નેમ સાથે મેળામાં કાષ્ઠકલા, માટીકલા સહિત હસ્તકલા કારીગરીની વસ્તુઓ, ભાત ભાતના વસ્ત્રો તથા ખાખરા, ચેવડા જેવી ખાદ્ય સામગ્રીનું વેચાણ-પ્રદર્શનમોરબી : વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા 9 થી 18 ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળા(Shopping Festival)નું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રદર્શન-વેચાણ મેળાને આજે કલેક્ટર કે.બી. ઝવેરી અને મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિકાસ સપ્તાહ અંતર્ગત દિવાળીના પર્વ પર સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેવા હેતુથી સ્વદેશીની થીમ સાથે આયોજિત 10 દિવસીય મેળામાં વેચાણ-પ્રદર્શન માટે 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાણીપીણી માટેના જુદા 10 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્ટોલ પર સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા ગૃહ સુશોભન માટે તોરણ, ટોડલીયા, દીવડા વગેરે વસ્તુઓ, ઘરે બનાવેલ સાબુ, શેમ્પૂ અને કોસ્મેટીક્સની સામગ્રી, ચેવડો, ખાખરા, ચટણી વગેરે જેવી અનેક ખાદ્ય સામગ્રી, સાડી, ચણિયાચોળી, ઓઢણી અને ડ્રેસ મટીરીયલ જેવા વિવિધ ભાત ભાતના વસ્ત્રો તથા માટીકલા, કાષ્ઠકલા સહિત વિવિધ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.સ્થાનિક કારીગરો માટે રોજગારીનું રોજગારીનું સર્જન કરવા તથા તેમના દ્વારા બનાવવામાં આવતી કલાત્મક અને વધુ ટકાઉ અને ગુણવત્તાવાળી વસ્તુઓ લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે આયોજિત આ સ્વદેશી મેળાની વધુને વધુ લોકો મુલાકાત લે અને ખરીદી કરે તે માટે મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.આ મેળાને ખુલ્લો મુકતી વેળાએ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની, ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, સખી મંડળની બહેનો અને મોરબી શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને એક પ્લેટફોર્મ મળે તે માટે આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી સ્વદેશી વસ્તુઓને સારી એવી ધરાકી મળશે. તહેવારના દિવસો હોવાથી મોરબીવાસીઓને પણ સ્વદેશી વસ્તુઓ મળે તે માટેનો આ પ્રયાસ છે. આ સ્વદેશી મેળામાં 70 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સખી મંડળોના પણ સ્ટોલ છે. ખાણીપીણીના સ્ટોલ પણ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે. સાથે જ બાળકો માટે રમવા માટેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. સાથે જ મોરબીવાસીઓ પણ આ મેળાનો વધુને વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. આ મેળામાં બપોરે 4 વાગ્યા બાદ લોકો મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.આ સ્વદેશી મેળામાં જોડાયેલા મહિલા વેપારી જાનકીબેને જણાવ્યું હતું કે, સખી મંડળ દ્વારા અમને અહીંયા સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જેનાથી અમને ખૂબ જ વેપાર કરવામાં સહકાર મળ્યો છે. અમારા જેવા નાના વેપારીઓ માટે આ ખૂબ જ સારી જગ્યા છે.