માળિયા (મિયાણા) : માતૃશ્રી રામબાઈ મા શાળા વિકાસ સંકુલ – માળિયા દ્વારા આયોજિત એસ.વી.એસ. કક્ષાનો ભવ્ય અને સર્જનાત્મકતાથી ઓતપ્રોત કલા ઉત્સવ તા. 28-11-2025ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યામંદિર, વવાણીયા ખાતે ઉમંગ અને ઉત્સાહ વચ્ચે યોજાયો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કન્વીનર જે. જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું. આ કલા ઉત્સવની શરૂઆત સમૂહ પ્રાર્થના સાથે થઈ અને ત્યારબાદ કલા ઉત્સવનો હેતુ, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસાવવાનો પ્રયત્ન તથા “વિકસિત ગુજરાત @ 2047” ની પ્રેરણાદાયક દ્રષ્ટિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાખરેચી QDC અને સરવડ QDCના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ચિત્ર, બાળ-કવિ, સંગીત ગાયન અને વાદ્ય-વાદન જેવી વિવિધ કલાત્મક સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. દરેક વિદ્યાર્થીએ વિકસિત ગુજરાતની સ્વપ્નસૃષ્ટિ, ભાવિ યોજનાઓ અને પ્રગતિના મૂલ્યોને પોતાની કૃતિઓમાં હૃદયપૂર્વક વ્યક્ત કર્યા હોવાથી સમગ્ર પરિસર સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિથી ખીલી ઉઠ્યું.આ સ્પર્ધાઓના મૂલ્યાંકન માટે અનુભવી અને પ્રતિષ્ઠિત શિક્ષકોનું નિર્ણાયક મંડળ હાજર રહ્યું. સરવડ QDCના કન્વીનર બી.સી. પાંચોટિયા,ખાખરેચી QDC ના કન્વીનર મેહુલભાઈ ભોરણીયા, વવાણીયા હાઈસ્કૂલના આચાર્ય પી. એમ. જાડેજા, મોટા ભેલા હાઈસ્કૂલના આચાર્ય એ.પી. કાંજીયા, મોડેલ સ્કૂલ મોટી બરાર અને મેઘપર હાઈસ્કૂલ તેમજ સરકારી હાઈસ્કૂલ, વવાણીયાનો સ્ટાફ દ્વારા નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. ઉપસ્થિત નિર્ણાયકો દ્વારા નિષ્પક્ષ અને કલાત્મક દૃષ્ટિકોણથી પોતાની સેવાઓ આપી સ્પર્ધાઓનું મૂલ્યાંકન કાર્ય સમૃદ્ધ બનાવ્યું.બંને વિભાગની તમામ સ્પર્ધાઓમાં નિર્ણાયકો દ્વારા પ્રથમ બે સ્થાન નક્કી કરવામાં આવ્યા અને તમામ વિજેતા વિદ્યાર્થીઓને સંકુલ તરફથી મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિજેતા તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા (જયદીપ ગ્રુપ ઓફ કંપની – વવાણીયા - મોરબી) પરિવાર તરફથી શૈક્ષણિક કીટ ભેટરૂપે આપવામાં આવી, જે વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રેરણારૂપ બની. દાતાઓના આ ઉમદા કાર્યને સમગ્ર મંડળ દ્વારા હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના સમાપન પ્રસંગે ખાખરેચી QDCના કન્વીનર મેહુલભાઈ ભોરણિયાએ સ્પર્ધાઓ અંગેના પોતાના અનુભવો વ્યક્ત કરતાં વિદ્યાર્થીઓની પ્રતિભા, શિક્ષકોનો સહયોગ અને આયોજનની સફળતા અંગે વિશેષ પ્રકાશ પાડ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ પણ બાળકોની સર્જનાત્મક ઊંચાઈ તથા આયોજનમાં રહેલી સુવ્યવસ્થિતતા વિશે પ્રશંસાપૂર્વક પોતાના વિચાર રજૂ કર્યા હતા.આ સમગ્ર ઉત્સવનું સંચાલન કન્વીનર જે. જી. ચાવડાએ સરળતા, નૈપુણ્ય અને ઉમદા કળાથી સંભાળ્યું. તમામ સ્પર્ધાઓમા પ્રથમ નંબર મેળવેલ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી. યજમાન શાળા શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યામંદિર, વવાણીયાના આચાર્ય પ્રદીપસિંહ જાડેજા તથા તેમની સ્ટાફ ટીમે સ્થળવ્યવસ્થા, મહેમાન-સત્કાર, સામગ્રી અને આયોજનની દરેક જવાબદારી એ રીતે નિભાવી કે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યો. અંતમાં એચ. એલ. જાડેજાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કળાનું મહત્વ સમજાવતાં તમામ દાતા, મહેમાનો, નિર્ણાયકગણ અને ઉપસ્થિતજનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમના અંતે તમામ મહેમાનો અને ઉપસ્થિત લોકોએ સ્વાદિષ્ટ દાબેલીનો નાસ્તો માણીને મિત્રતા, આનંદ અને સર્જનાત્મકતાના સરસ માહોલમાં કલા ઉત્સવને સુખદ પૂર્ણવિરામ આપ્યો.