સિરામિક, પેપરમીલ, પોલિપેક અને ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગો કામગીરી બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે મોરબી : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે ઉદ્યોગો કાલે મંગળવારે બંધ પાડશે. સિરામિક, પેપરમીલ, પોલિપેક અને ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગો કામગીરી બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે. મોરબીમાં ગઈકાલે ઝૂલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોના મોત નિપજ્યા છે. આ બનાવને પગલે સમગ્ર મોરબી પંથકમાં શોક વ્યાપી ગયો છે. મોરબીના અનેક ઉદ્યોગો બનાવ અંગે શોક વ્યક્ત કરવા આવતીકાલે બંધ પાડવાના છે. સિરામિક ઉદ્યોગ 24 કલાક ચાલતો ઉદ્યોગ હોય એટલે ત્યાં ડિસ્પેચની કામગીરી બંધ રાખવામાં આવશે. પેપરમીલ એસોસિએશન દ્વારા પણ લોડિંગ અનલોડિંગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે પોલિપેક એસોસિએશન દ્વારા પણ બંધની જાહેરાત કરાઈ છે. સાથોસાથ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ બંધમાં જોડાનાર છે.