હાલ આરોપી જયસુખ પટેલના પાસપોર્ટ કોર્ટના કબ્જામાં : સરકારી વકીલની ધારદાર દલીલને પગલે કોર્ટે અરજી ફગાવીમોરબી : મોરબીના ઝુલતાપુલ દુર્ઘટના કેસમાં હાલ શરતી જામીન ઉપર રહેલા જયસુખભાઈ પટેલના પાસપોર્ટ હાલ કોર્ટના કબ્જામાં છે. ત્યારે પાસપોર્ટ કાયમી ધોરણે પરત મેળવવા માટે તેઓએ મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જો કે ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા આ અરજીને રદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર તા.30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 10 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જે આરોપીઓને જુદી જુદી શરતોને આધીન જામીન પણ મળી ગયા છે. જેમાં જયસુખભાઈને જામીન મળ્યા ત્યારે પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરવા માટેની શરત રાખવામાં આવી હતી. આ દરમિયાન ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ દ્વારા તેઓનો પાસપોર્ટ કાયમી ધોરણે પરત આપવાની માંગ સાથે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી સામે જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી.શ્રીવાસ્તવ દ્વારા અરજીને રદ કરવામાં આવી છે. તેમ જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી જાણવા મળ્યું છે.