જિલ્લા આયોગના પ્રમુખ ત્યારે રજા ઉપર હોવાથી ગ્રાહક કમિશનરે આદેશ રદ કરતા જણાવ્યું કે ‘કોર્ટમાં સત્તાવાર ફરજ પર હોય ત્યારે જ જજને ચુકાદો આપવાનો અધિકાર છે'મોરબી : ૩૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ મોરબી ઝૂલતા પુલ તૂટી પડવાની ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તોના વળતર માટે લગભગ ૭૦ ફરિયાદોને સિવિલ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો મોરબી જિલ્લા આયોગે આદેશ અપાયો હતો. આ આદેશને ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે રદ કર્યો છે. મોરબી જિલ્લા આયોગના પ્રમુખ રજા પર હતા એ સમયે આદેશ કરાયો હોવાથી ગ્રાહક કમિશને આ આદેશ રદ કર્યો છે.સંદેશના અહેવાલ મુજબ આ અંગે રાજ્ય કમિશને જણાવ્યું કે, ‘ન્યાયાધીશોને ફક્ત ત્યારે જ કાર્યવાહી કરવાનો અને ચુકાદો આપવાનો અધિકાર છે જ્યારે તેઓ કોર્ટમાં તેમની સત્તાવાર ફરજો બજાવી રહ્યા હોય. આ કેસમાં, કિમશનના પ્રમુખ દ્વારા રજા પર હતા ત્યારે પસાર કરાયેલો વાંધાજનક આદેશ ન્યાયિક નૈતિકતા અને કાયદાના ધોરણ અને સ્થાયી સિદ્ધાંતનું ઉલ્લંઘન સમાન છે.રાજ્ય આયોગે ન્યાયાધીશના વર્તનની ટીકા કરી કહ્યું કે આ ‘ન્યાયિક નૈતિકતાનું ઉલ્લંઘન છે’. જિલ્લા આયોગને ફરિયાદીઓને સુનાવણીની તક આપીને કેસની યોગ્યતા પર સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. પીડિતોના સગાઓએ મોરબી જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચમાં અરજીઓ દાખલ કરી હતી અને જાહેર માળખાની જાળવણીમાં નિષ્ફળતા બદલ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ), મોરબી નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રૂ. ૧ થી ૫ કરોડ સુધીના વળતરની રકમની માંગ કરી હતી.કંપનીએ જિલ્લા કમિશનને તમામ ૭૦ ફરિયાદો મોરબીની સિવિલ કોર્ટમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી, અને કમિશને આદેશ આપ્યો હતો. આનાથી ફરિયાદીઓ અને એક NGO, નેશનલ લેબર એન્ડ કન્ઝ્યુમર એસોસિએશન, રાજ્ય કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી કે ન્યાયાધીશ રજા પર હતા જ્યારે તેમણે આદેશ પસાર કરવાનો દાવો કર્યો હતો. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રાહક કિંમશન પાસે વળતરના મુદ્દાનો નિર્ણય લેવાનો અધિકારક્ષેત્ર છે.