મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપે 24 જેટલા કાર્યકરો અને આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપીને પાર્ટીનું વલણ એકદમ સ્પષ્ટ કર્યું હતું.જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું કે 24 કાર્યકરોનું આખું લિસ્ટ તૈયાર કરી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ એવા લોકો છે જેમને અગાઉ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હોય કે સંગઠનમાં વિવિધ સ્તરે મોટી જવાબદારીઓ અને સત્તા આપી હોય. અનેક જવાબદારીઓ આપ્યા પછી પણ એકાદ વાર ટિકિટ ન મળે ત્યારે પાર્ટી પ્રત્યે વફાદારી ન રાખનાર અને પક્ષની શિસ્ત તોડનાર સામે આ કાર્યવાહી કરાઈ છે.પક્ષની શિસ્ત જાળવી રાખવી જરૂરી છે, કેટલાક કાર્યકરો પક્ષના વિચારને ભૂલીને અપક્ષ, બસપા કે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવીને મોટી ભૂલ કરી બેઠા છે. શિસ્તના ભાગરૂપે આ તમામ 24 લોકોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો આ સસ્પેન્ડ કરાયેલા લોકોમાંથી કોઈ ચૂંટણી જીતી જશે, તો પણ તેમને ભાજપમાં પાછા લેવામાં આવશે નહીં, એકવાર સસ્પેન્ડ કર્યા પછી 6 વર્ષ સુધી તેમને પરત ન લેવાનો સ્પષ્ટ નિર્ણય કરાયો છે.#MorbiUpdate #Morbi #MorbiBJP #BJP #GujaratPolitics #GujaratNews #MorbiNews #Suspended