મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહને સસ્પેનશન બાદ રાજકોટ હેડક્વાર્ટરમાં મુકાયા મોરબી : મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત મોડીરાત્રે નગરપાલિકાના જવાબદાર અધિકારી એવા ચીફ ઓફિસર સંદીપસિંહને સસ્પેન્ડ કરવા હુકમ કરી રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા કચેરીમા મુકવામાં આવ્યા છે અને ફરજ મોકૂફી દરમિયાન હેડક્વાર્ટર છોડતા પૂર્વે ઉપરી અધિકારીને રહેઠાણ અને સંપર્ક નંબર આપવા પણ આદેશ કરાયો છે. ગત તા.30ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોના મૃત્યુ નિપજતા હાલ ગુજરાત સરકાર દ્વારા આ ગંભીર બાબતે પુલ રીનોવેશનનો કોન્ટ્રાકટ લેનાર ઓરેવા કંપની, રીનોવેશનની કામગીરી કરનાર એજન્સી અને નગરપાલિકાના જવાબદાર અધિકારી એવા ચીફ ઓફિસરની જવાબદારી ગણી ગત રાત્રીના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. આ ઓર્ડરમાં શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સ્પષ્ટ પણે જણાવ્યું છે કે આ ગંભીર ઘટનામાં ચીફ ઓફિસર સંદિપસિંહને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેરહિતમાં ન હોય તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચેરી ખાતે મુકવામાં આવે છે. વધુમાં ફરજ મોકૂફી દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને જો સંજોગો વસાત હેડ ક્વાર્ટર છોડવું પડે તો હેડક્વાર્ટર છોડતા પૂર્વે ઉપરી અધિકારીને રહેઠાણ અને સંપર્ક નંબર આપવા પણ આદેશ કરાયો છે. બીજી તરફ 135 લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનામાં સંભવતઃ ધરપકડ થવાની પણ શક્યતા છે.