ન્યાયિક કમિશનની રચના કરવાની માંગણી અંગેની એડવોકેટ વિશાલ તિવારીની પીઆઈએલ પર સુનાવણી મોરબી : મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ એડવોકેટ વિશાલ તિવારીની પીઆઈએલ પર સુનાવણી કરશે. વિશાલ તિવારીએ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ઘટના અધિકારીઓની બેદરકારી અને ઘોર નિષ્ફળતા દર્શાવે છે. 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ એડવોકેટ વિશાલ તિવારીએ 1 નવેમ્બરના રોજ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક તપાસની માંગ કરતી અરજી કરતા સુપ્રીમ કોર્ટે દ્વારા સત્વરે સુનાવણી કરવા નિર્દેશ આપ્યા હતા. આ અરજીમાં એડવોકેટ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે, “છેલ્લા એક દાયકાથી, આપણા દેશમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં ગેરવહીવટ, ફરજમાં બેદરકારી અને જાળવણીની બેદરકારીને કારણે મોટી જાનહાનિ થઈ છે, જેને ટાળી શકાયું હોત. મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થયા હતા જેમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ તરફથી ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર પંચ, મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવ્યા બાદ નગરપાલિકાએ સોગંદનામું કરી દુર્ઘટના માટે ઓરેવા કંપની જવાબદાર હોવાનો જવાબ રજૂ કર્યો છે અને આગામી તા.24ના રોજ નામદાર હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે આજે નામદાર સુપ્રીમ કોર્ટની સુનાવણી ઉપર સૌની મીટ મંડાઈ છે.