આગામી 12 ડિસેમ્બરે રજનીકાંતના જન્મદિવસ નિમિતે ત્રણ ભાષામાં આલ્બમ સોંગ રિલીઝ થશે : મોરબીમાં મચ્છુ માતાના મંદિર, દરબાર ગઢ, ઝૂલતાપૂલ અને મણી-મંદિરે થશે શૂટિંગ મોરબી : સુપરસ્ટાર રજનીકાંત અભિનય બેતાજ બાદશાહ ગણાય છે. રજનીકાંતની ફિલ્મો આજે પણ ઘણી લોકપ્રિય છે. પોતાના અભિનયના જાદુના કારણે દેશભરમાં કરોડો લોકો તેમના ચાહકો છે. ખાસ કરીને રજનીકાંતના ફેન્સને તેમના જન્મદિવસની વિશેષ ઈંતજારી રહે છે. ત્યારે આગામી 12 ડિસેમ્બરે તેમના જન્મદિવસ ઉપર એક આલ્બમ સોંગ તૈયાર થનાર છે. સૌથી મજેદાર બાબત એ છે કે નેશનલ કક્ષાનું આ આલ્બમ સોંગનું મોરબીમાં શુટીંગ કરવામાં આવી રહ્યું છે. સુપરસ્ટાર રજનીકાંતના જન્મદિવસ નિમિતે તેમના જીવન ઉપર આધારિત એક આલ્બમ સોંગ બનાવવા માટે મ્યુઝિક ડાયરેકટર લાવન વિરલ અને ડાયરેકટર અક્ષય યાજ્ઞિક તેમજ મોરબીના અવી પટેલે બીડું ઉઠાવ્યું છે. આ ટીમ દ્વારા એક સુંદર મજાનું નેશનલ લેવલનું આલ્બમ સોંગ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને દેશભરના રજનીકાંતના કોરોડો ફેન્સ આ આલ્બમ સોંગ માણી શકે એ માટે તમિલ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં આલ્બમ સોંગ બનાવવાશે. જો કે સૌથી રસપ્રદ બાબત એ છે કે, આ આલ્બમ સોંગના લોકશન માટે મોરબીની પસંદગી ઉતારવામાં આવી છે અને આજે આ આલ્બમ સોંગનું મોરબીમાં શુટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મચ્છુ માતાના મંદિર, દરબાર ગઢ, ઝૂલતા-પૂલ અને મણી-મંદિરે આ આલ્બમ સોંગનું હાલ શુટીંગ ચાલી રહ્યું છે.