મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે પવનનાં કારણે મોટાપાયે નુકસાન થવા પામ્યું છે.નવલખી રોડ પર ખાખરાળા પાસે આવેલી સનટેક પ્લાયવુડ ફેક્ટરીનો શેડ પણ ભારે પવનમાં તૂટી ગયો છે. દિવલોમાં પણ તિરાડો પડી ગઈ છે. ગઈકાલે ગુરુવારે બપોરે ફુંકાયેલા પવનમાં ફેક્ટરીના પતરાં તૂટી ઉડી ગયા હતા. લોખંડની મસમોટી ગડરો પણ વળી ગઈ હતી. ફેક્ટરીના શેડની એક તરફની દિવાલમાં પણ નુકસાન થયું છે. ફેક્ટરીમાં રહેલા કાચા માલ અને તૈયાર માલને પણ વરસાદના કારણે નુકસાન થયું છે.આ અંગે ફેકટરીના સંચાલક રાજેશભાઈ નેસડીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ ફૂંકાયેલા ભારે પવનની સાથે શરૂ થયેલા વરસાદને કારણે અમને મોટા પાયે નુકશાન થયું છે. ગણતરીની મિનીટમાં આ ફેક્ટરીના શેડ મોટા પાયે નુકશાન પહોચ્યું હતું. સાથે સાથ અમારી ફેકટરીમાં રાખેલા તૈયાર પ્લાયવુડ સીટ અને કાચો માલ તેમજ મશીનરીને નુકશાન થયું હતું.