માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનને સ્ટોપેજ આપવા બાબતે સુન્ની મુસ્લિમ વકફ કમિટી માળિયા(મિયાણા) જમાત દ્વારા આગામી દિવસોમાં શાંતિપૂર્વક રીતે અહિંસક ધરણા પ્રદર્શન અને રેલ રોકો આંદોલન કરવામાં આવશે.સુન્ની મુસ્લિમ વકફ કમિટી માળિયા(મિયાણા) જમાત દ્વારા માળિયા(મિયાણા) રેલવે પોલીસ ફોર્સને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે, માળિયા(મિયાણા) તાલુકામાં આશરે 80 હજાર જેટલી વસતી છે. જ્યારે લોકડાઉન પહેલા માળિયા(મિયાણા) સ્ટેશન પર પેસેન્જર ટ્રેનો ઉભી રહેતી હતી પરંતુ લોકડાઉન બાદ સ્ટોપેજ દૂર કરી દેવામાં આવ્યો છે. હાલ પેસેન્જર ટ્રેનો માળિયા(મિયાણા) રેલવે સ્ટેશન પર ઉભી રહેતી નથી જેના કારણે લોકોની આજીવિકા અને શિક્ષણ પર અસર પડી છે. હાલ અહીંથી 40 ટ્રેન પસાર થાય છે પરંતુ તેમાંથી એક જ ટ્રેન ઉભી રહે છે. લોકોને 5 ટ્રેનના સ્ટોપેજની જરૂર છે. જો આ બાબતે 9 સપ્ટેમ્બર સુધીમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો 1 હજાર જેટલા લોકો એકઠાં થઈને 9 સપ્ટેમ્બર, 10 સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બર એમ 3 દિવસ રેલવે સ્ટેશન સામે શાંતિપૂર્વક રીતે અહિંસક ધરણા કરીશું. સાથે જ 12 સપ્ટેમ્બરના રોજ સૌ લોકો બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી રેલવે સ્ટેશનથી પસાર થનારી તમામ ટ્રેનોને રોકવામાં આવશે. તેથી જનતાની માંગણી અનુસાર માળિયા (મિયાણા) રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી માગ કરાઈ છે.