સફાઈ અને લેવલિંગની કામગીરી માટે મહાપાલિકાનો નિર્ણય : અગાઉ કોઈ સત્તાવાર જાહેરાત ન કરાતા વેપારીઓ સામાન લઈને પહોંચ્યા, બેસવા ન દેવાતા ભારે નારાજગી : મોરબી અપડેટ : મોરબીમાં બેઠા પુલ પાસે વર્ષોથી ભરાતી રવિવારી બજારને લઈને મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સફાઈ અને ગ્રાઉન્ડ લેવલિંગની કામગીરી કરવા માટે આગામી 4 રવિવાર સુધી રવિવારી બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી રવિવારી બજારમાં દબાણો વધતા ગયા હતા. શરૂઆતમાં અંદરના ભાગે ભરાતી આ બજાર ધીમે-ધીમે મુખ્ય રોડ સુધી પહોંચી ગઈ હતી અને અડધાથી વધુ રોડ પર પથારાવાળાઓનો કબજો થઈ ગયો હતો. જેના કારણે અહીં દર રવિવારે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. ગયા અઠવાડિયે જ આ ટ્રાફિકમાં દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ ફસાઈ જવાની ગંભીર ઘટના બની હતી. જેને ધ્યાને રાખીને 2-3 દિવસ પહેલા મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આજે રવિવારે બજાર બંધ રાખવાના નિર્ણયની જાણ ન હોવાથી અનેક નાના ધંધાર્થીઓ ત્યાં પહોંચી ગયા હતા. વેપારીઓએ મહાનગરપાલિકાના એસ્ટેટ અને દબાણ હટાવ શાખાના અધિકારીઓને વિનંતી કરી હતી કે તેઓ હવેથી વ્યવસ્થિત રીતે બેસશે અને ટ્રાફિક નહીં થવા દે. જોકે, તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું કે આગામી 4 રવિવાર સુધી એક પણ પથારાવાળા કે ધંધાર્થીને અહીં બેસવા દેવામાં આવશે નહીં.હાલમાં મહાનગરપાલિકા દ્વારા નદીના પટમાં પડેલા કાટમાળ અને કચરાના ઢગલા હટાવી આખા ગ્રાઉન્ડનું લેવલિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ 4 રવિવાર પૂર્ણ થયા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે.તેવું અધિકારીઓએ જણાવ્યું છે.#MorbiUpdate #MorbiNews #RavivariBazar #TrafficIssue #MorbiCorporation #CleanlinessDrive