રવિવારથી ગરમી ભુક્કા કાઢશે, તા. 9 એપ્રિલ સુધી કચ્છ અને રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ગરમી હાહાકાર મચાવી રહી છે, ખાસ કરીને હવામાન વિભાગે કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને રાજકોટમાં યલો એલર્ટ આપ્યું છે ત્યારે શુક્રવારે ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 44.5 ડિગ્રી અને રાજકોટમાં મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી પહોંચી ગયો હતો. રવિવારથી રાજકોટ અને કચ્છમાં હીટવેવનું આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું હોય મોરબીમાં પણ ગરમીનો પારો 43થી 44 ડિગ્રીને આંબી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. મોરબીમાં શુક્રવારે 42 ડિગ્રી જેટલી ગરમી પડી હોવાનું ખાનગી વેઘરના રિપોર્ટ જણાવી રહ્યા છે.રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે ત્યારે આગામી તા.9 એપ્રિલ સુધી આકરા તાપને સહન કરવો પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ જિલ્લામાં હીટવેવના ઓરેન્જ એલર્ટ વચ્ચે શુક્રવારે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 44.5 ડિગ્રી નોંધાયો હતો જયારે સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી અને રાજકોટ જિલ્લામાં હીટવેવના યલો એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાન ગઈકાલથી 0.2 ડિગ્રી વધી શુક્રવારે 42.9 ડિગ્રી નોંધાયું હતું.નોંધનીય છે કે, રાજકોટ અને કચ્છ જિલ્લા માટે હવામાન વિભાગે રવિવારથી ત્રણ દિવસ માટે હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું હોય તાપમાનનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે.નોંધનીય છે કે, રાજકોટ અને કચ્છમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અપાયું છેઅ ને મોરબીમાં યલો એલર્ટ અપાયું છે ત્યારે બન્ને જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીની સીધી અસર મોરબીમાં પણ જોવા મળી રહી હોય તેમ અસહ્ય તાપ પડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાજ્યમાં 10 સેન્ટરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું જેમાં ડીસામાં 42.1, કંડલામાં 42, અમદાવાદમાં 41.3, અમરેલીમાં 41.1, ગાંધીનગરમાં 41, કેશોદમાં 40.7, નલિયામાં 40.4, વડોદરામાં 39.2, વલ્લભ વિદ્યાનગરમાં 38.9 અને ભાવનગરમાં 37.0 ડિગ્રી મહાત્મા તાપમાન નોંધ્યું હતું. મહત્વનું છે કે, દરિયાકાંઠાના જિલ્લામાં મહત્તમ તાપમાન ઘણું ઓછું રહ્યું હતું. જેમાં સુરતમાં 35.8, પોરબંદરમાં 33.4, દ્વારકામાં 30.8, દીવમાં 32.5 અને વેરાવળમાં 31 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચક્રવાત મોસમ મિજાજ બદલી રહ્યો હોય તેમ દેશમાં એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે, ચક્રવાતી પરિભ્રમણ છે.એ જ રીતે પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં તેમજ મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળે છે.