ફેબ્રુઆરીમાં જ મે મહિના જેવો અહેસાસ, 20થી 22 તારીખ દરમિયાન આકરી ગરમી પડશે : આગાહીકાર રમેશભાઈ બસિયામોરબી: ફેબ્રુઆરી મહિનો પૂરો થવાના આરે છે ત્યારે હવે શિયાળો સત્તાવાર રીતે વિદાય લઈ રહ્યો હોય અને ઉનાળો દસ્તક દઈ રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. ટંકારાના નાના ખીજડીયાના જાણીતા હવામાન નિષ્ણાંત રમેશભાઈ બસિયાએ કરેલી આગાહી મુજબ, આગામી દિવસોમાં મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનું જોર વધશે અને લોકોને ફેબ્રુઆરીમાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ થશે.તાપમાનમાં તોતિંગ વધારાની શક્યતાહવામાનની આગાહી મુજબ, આગામી 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ગરમી તેના ચરમસીમા પર હશે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા છે. મોરબીમાં પણ ગરમીનો પારો 35 ડિગ્રીને પાર કરી જાય તેવી વકી છે. પાડોશી જિલ્લા રાજકોટમાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.ઝાકળ અને વાદળછાયું વાતાવરણહાલ પશ્ચિમના પવનોને કારણે સવારના સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળ જોવા મળી રહી છે. 19 ફેબ્રુઆરીએ મર્યાદિત વિસ્તારોમાં ઝાકળ રહેશે. 20 થી 22 ફેબ્રુઆરી ગરમી વધતા ઝાકળ પડવાની શક્યતા નહિવત રહેશે અને સૂકું વાતાવરણ રહેશે. 23-24 ફેબ્રુઆરીએ ફરી પશ્ચિમના પવનો સક્રિય થતા ભેજ વધશે અને ફરીવાર ઝાકળ જોવા મળી શકે છે.ક્યારે મળશે ગરમીથી રાહત?આકરી ગરમી બાદ 23 અને 24 ફેબ્રુઆરીના રોજ મોરબી, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા છે. વાદળો આવવાને કારણે અને 22મી સાંજથી પવનની દિશા બદલાઈને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમની થતા તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે, જેથી લોકોને ગરમીમાં થોડી રાહત મળશે.આમ, આગામી સપ્તાહમાં મોરબીવાસીઓએ મિશ્ર ઋતુ અને બપોરના સમયે આકરા તાપ માટે તૈયાર રહેવું પડશે.