ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ શિવપુર નજીક ડુંગરપુરની વીડીમાં ઝાડવે લટકી આપઘાત કરી લીધો હળવદ : હળવદ તાલુકાના સમલી ગામે રહેતા અને મોરબી સિરામીક ફેકટરીમાં કામ કરતો યુવાન ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ શિવપુર નજીક ડુંગરપુરની વીડીમાં ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી મચી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સમલી ગામે રહેતો અને મોરબી સીરામીક ફેકટરીમાં કામ કરતો દિલીપભાઈ અરજણભાઈ પટેલ ઉ.35 નામનો પટેલ યુવાન ગઈકાલે પોતાના ઘેરથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત્રી સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા શિવપુર નજીક રોડ ઉપર બાઈક રેઢી હાલતમાં મળી આવતા નજીકમાં આવેલી ડુંગરપુર વીડીમાં ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેનાર મૃતક દિલીપભાઈ અરજણભાઈ પટેલને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળે છે. હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.