ટંકારા - રાજકોટ હાઇવે ઉપર બનેલી ઘટનામાં બે મહિલા ઈજાગ્રસ્ત ટંકારા : ટંકારા - રાજકોટ હાઇવે ઉપર મિતાણા નજીક ચાલુ કારમાં અચાનક મોબાઈલની બેટરી ફાટતા કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની રેલિંગ સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં બે મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામેથી આગળ રાજકોટ તરફ જતી કારમાં સવાર કોઈ વ્યક્તિનો મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ રેલિંગ સાથે કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચારેક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જેમાં પુષ્પાબા બલભદ્રસિંહ ઝાલા ઉ.40 અને અનસોયાબા શક્તિસિંહ ઝાલા ઉ.38 રહે. રાજકોટ વાળાને નાની મોટી ઈજાઓ પહોંચતા ટંકારા 108ના પાયલોટ કિશનસિહ અને ઈએમટી વલ્લભભાઈ લાઠિયા તાત્કાલિક ધટના સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને સારવાર સાથે રાજકોટ દવાખાને ખસેડ્યા હતા.